સુરત મ્યુ.કમિશ્નરે વેક્સિનેશન સેન્ટરો અને સંક્રમીત વિસ્તારની મુલાકાત લીધી

સુરત મ્યુ.કમિશ્નરે વેક્સિનેશન સેન્ટરો અને સંક્રમીત વિસ્તારની મુલાકાત લીધી

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલુ છે જેને લઇ સુરત પાલિકા કમિશનરે મોઢવણિક સમાજ દ્રારા અને જુદા જુદા હેલ્થ સેન્ટર પર ચાલતી રસીકરણ સેન્ટરની મુલાકાત લીધી હતી. અને સાથે જ જે વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ છે ત્યાંના હેલ્થ સેન્ટરોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આજે રવિવારે બપોર સુધીમાં 100 થી વધુ કેસ નોંધાયા છે. અને હજુ પણ સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં 18 દર્દીઓ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. બીજી તરફ છેલ્લા દોઢ મહિનામાં આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ પણ દોઢ ગણો વધી ગયો છે. ત્યારે રેપિડ ટેસ્ટમાં આ દર ત્રણ ગણો છે. સ્મિમેર અને સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆરના જે ટેસ્ટ કરવામાં આવે છે તે મુજબ જાન્યુઆરીમાં પોઝિટિવિટી રેટ 4.5 ટકા હતો જ્યારે હાલમાં આ દર 11.5 ટકા થઇ ગયો છે. તે જ રીતે રેપિડ ટેસ્ટ 0.5 ટકા હતો જે વધીને 1.9 ટકા થઇ ગયો છે.
રાજ્ય સરકાર દ્રારા સ્કૂલો અને કોલેજો કોલેજનો શરુ કરવામાં આવી છે ત્યારે અહીં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે જેને લઇ જે શાળા કોલેજોમાં કોરોના કેસો આવી રહ્યા છે તેને 14 દિવસ માટે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતમાં વધતાં કોરોનાના કેસોને લઇ મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયક સહિતના અધિકારીઓ જે વિસ્તારમાં સંક્રમણ વધુ છે તે વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે તો સાથેજ શહેરમાં પ્રવેશતાં બહારના રાજ્યમાંથી આવનારાઓનું ટેસ્ટિંગ પણ વધુ સઘન કરાયું છે. મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં કોરોના કેસો ખુબ જ નોંધાઇ રહ્યાં છે ત્યારે શહેરમાં આવતાં લોકોને કારણે કોરોનાને વધુ વકરતો રોકવા ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયું હતું જેને લઇ મ્યુ કમિશનરે ભાટિયા ટોલનાકાની મુલાકાત કરી હતી તેમજ રેલવે, બસ, એરપોર્ટ, ટેક્ષટાઈલ, ડાયમંડ હાઉસ, માર્કેટોમાં ટેસ્ટિંગ સેન્ટરો વધારી ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યાં છે.