સુરત : ડબલ મર્ડર ગુનાના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા

અમરોલી કોસાડ આવાસ ખાતે ત્રણ ઓરિસ્સાવાસીઓ પર સાયકલ ચોરીનો આરોપ મુકી ઢોર માર મારતા ગંભીર રીતે ઘવાયેલા બેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોય આ ડબલ મર્ડર ગુનાના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 9મી માર્ચના રોજ અમરોલી કોસાડ આવાસ ધરતી નગર ખાતે સાઈકલ ચોરી કરવા ગયેલા રિસ્સાવાસી રાજેશ ઉર્ફે રાજુ પ્રધાન તેના મિત્રો ટકલા અને કાલીયાનાઓને સ્થાનિકોએ ઢોર માર માર્યો હતો. જેમાં ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન 9મીએ રાત્રે જ રાજેશ ઉર્ફે રાજુ નું મોત નિપજ્યુ હતુ જ્યારે તેના મિત્ર ક્રિષ્ના ઉર્ફે ટકલો ઉર્ફે નારાયણ નિરંજન બારીકનું 10મીએ મોત નિપજ્યુ હતું. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. પી.એમ. વાળાનાઓની ટીમે બાતમીના આધારે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા ત્રણ હત્યારાઓ જેમાં ઓરિસ્સાના જ ગંગાધર ખટાઈ, રબિન્દર ઉર્ફે રવિ સ્વાંઈ અને રાજા સુભાષ પ્રધાનને ઝડપી પાડ્યા હતાં. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે ડબલ મર્ડરના ત્રણેય આરોપીઓનો કબ્જો અમરોલી પોલીસને સોંપતા વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે.