હાલની કોરોનાની સ્થિતિ જોતા ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ લંબાઈ શકે છે

હાલની કોરોનાની સ્થિતિ જોતા ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ લંબાઈ શકે છે

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ચૂંટણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રી 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યૂ યથાવત રાખ્યો હતો. ત્યારે હવે આવતી કાલે તા.15 માર્ચના રોજ રાત્રી કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. જેને લઇ ફરી નાઈટ કર્ફ્યૂ લંબાવવો કે કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવો કે પછી કર્ફ્યૂ હટાવવો તે બાબતે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાતી હાઈપાવર કમિટીમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ કર્ફ્યૂ અંગે કેટલીક અટકળો ચાલી રહી છે કે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂને લંબાવી શકે છે અને સમયમાં ફેરફાર કરી રાત્રી કર્ફ્યુનો સમય વધારી પણ શકે છે કારણ કે હાલ રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. અગાઉ દિવાળી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકારે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ એમ 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો હતો જે શરૂઆતમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હતો ત્યારબાદ રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો અને હાલ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ સમય કરવામાં આવ્યો છે જે તા.15 માર્ચ એ પૂરો થાય છે. ત્યારે હાલ રાજ્યમાં કોરોનાના કેસની વર્તમાન સ્થિતિને જોતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ લંબાવામાં આવે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં જ્યારે 300 થી 350 કેસ સામે આવતા હતા ત્યારે પણ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો હતો અને હવે આ કેસ હાલ ડબલ થી વધી ગયા છે અને આગમી દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ફરી સાવચેતીના પગલાં રૂપે અને સંક્રમણ ઝડપી ન ફેલાય તે માટે ભીડ ભાડ નહિ કરવા રાત્રી કર્ફ્યુનો લંબાઈ શકે છે. રાજ્યમાં સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં બે ડીઝીટમાં આવી ગયેલા કોરોનાના કેસો ત્રણ ડીઝીટમાં નોંધાઈ રહ્યા છે. જેને લઇ તંત્રની ચિંતામાં વધારો થયો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 4,200 કેસ એક્ટીવ છે. 2,68,616 લોકોએ કોરોનાની સારવાર લઇ સ્વસ્થ થયા છે. 26,523 લોકો ક્વોરેન્ટાઈન છે અને 4,419 લોકોના મોત થયા છે.
તા.13 માર્ચના રોજ રાજ્યમાં 775 કેસ સામે આવ્યા હતા અને 579 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.89% છે. તા.13 માર્ચના અમદાવાદ અને સુરતમાં 2 લોકોના મોત થયા છે. રાજ્યમાં સૌથી વધારે કેસ સુરતમાં નોંધાયા હતા જયારે બીજા નંબરે અમદાવાદ અને ત્રીજા નંબરે રાજકોટ આવ્યું હતું.