સુરત બ્રેકીંગ : કોરોના રસી ડોઝ વગર કઈ રીતે મળી ગયુ સર્ટિફિકેટ જુઓ

રાજકોટમાં 1500 રૂપિયામાં કોરોના નેગેટિવ રિપોર્ટ આપતા હોવાનું કૌભાંડ સામે આવ્યા બાદ આજે સુરતમાં વૅક્સિન લીધા વગર જ લોકો પાસે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 2 કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં પ્રથમ કિસ્સો શનિવારે અને ત્યારબાદ રવિવારે વધુ કિસ્સો સામે આવ્યાં છે. આ સર્ટિફિકેટમાં વૅક્સિન મુકનાર નર્સ મનીષા ગોહિલના નામનો ઉલ્લેખ છે જયારે હકીકતમાં આ નર્સ 2 મહીનાથી રજા ઉપર છે જે માહિતીને લઇ સુરત મહાનગરપાલિકા મુંઝવણમાં મુકાઈ છે. આવો કિસ્સો માત્ર એક જ નથી એક પછી એક એમ 2 કિસ્સા સામે આવી જતાં આખરે પાલિકાની ટીમ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે અને એક્સપર્ટની મદદ પણ લેવાઈ રહી છે.
પ્રથમ કિસ્સામાં પાંડેસરામાં રહેતાં અનૂપ સિંહે માતા અન્નપૂર્ણા સિંહ અને પિતા હરિભાન સિંહના વેક્સિનેશન માટે તા.10 માર્ચે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ પિતા હરિભાન સિંહ તે દિવસે હરિદ્વાર જતાં રહ્યાં હતા અને હજુ પણ તેઓ ત્યાં જ છે જેથી વૅક્સિન લઇ શક્યા નથી છતાં તેમનું વેક્સિનેશન ઓનલાઇન સર્ટિફિકેટ આવી ગયું છે તેવું પુત્ર અનૂપે જણાવ્યું છે.
બીજા કિસ્સામાં પાંડેસરામાં રહેતાં રાકેશસિંહે સાસુ નિર્મલા સોલંકીને કોરોનાની વૅક્સિન અપાવવા તા.13 માર્ચનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેને લઇ તેઓને બપોરે 3 વાગ્યે બમરોલી હેલ્થ સેન્ટર પર જવાનું હતું પરંતુ સેન્ટર પર જતાં પહેલાં તેમના મોબાઈલ પર મેસજ આવી ગયો કે નિર્મલા સોલંકીને વૅક્સિન આપી દેવાઈ છે.