વિકાસની દોડમાં મોંઘવારીએ પણ માઝા મૂકી - 2014 પછી પ્રથમ વખત મોંઘવારી ભાવાંક 116

વિકાસની દોડમાં મોંઘવારીએ પણ માઝા મૂકી - 2014 પછી પ્રથમ વખત મોંઘવારી ભાવાંક 116

ક્રુડતેલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલ તેજીના કારણે ભારતમાં મોંઘવારી ભડકી છે ત્યારે હજુ ચિંતાજનક બાબત એ છે કે આવશ્યક ચીજોમાં થઈ રહેલો ભાવ વધારો હજુ આગળ વધે તેમ છે. હાલ ક્રુડતેલનો ભાવ 70 ડોલર છે જે ચાલુ મહિનામાં જ 75 ડોલરે પહોંચવાની શકયતા છે ત્યારે મોંઘવારીમાં વધુ નવો ડામ લાગી શકે છે. અને જેની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર થઈ શકે છે. નિષ્ણાંતોના મત પ્રમાણે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં પેટ્રોલ - ડીઝલ 33 ટકા મોંઘુ થઈ ગયું છે અને જો વર્તમાન 70 ડોલરનો ભાવ ટુંકાગાળામાં 75 ડોલર થઈ શકે તેમ છે એટલે મોંઘવારી વધુ ભડકશે. ક્રુડની સાથોસાથ ખાદ્યતેલ સહિતની આવશ્યક ચીજો મોંઘી થઈ છે. થોડો વખત ડુંગળીએ પણ રડાવ્યા જ હતા. ક્રુડમાં તેજીની વર્તમાન ચાલ ચાલુ રહેવાના સંજોગોમાં મોંઘવારી વધુ દઝાડશે સાથે ડીમાંડ સપ્લાયની ચેન પણ વેરવિખેર કરી શકે છે. મોંઘા ક્રુડતેલની અસર માત્ર ભારત જ નહીં દુનિયાભરની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.
ક્રુડતેલબા વધતા ભાવોની અસરથી મોંઘા થતા પેટ્રોલ - ડીઝલની સીધી અસર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર પડે છે અને તેની અસરો ઉદ્યોગો પર છે. ઉદ્યોગોમાં પણ ઈંધણનો મોટો વપરાશ છે. ઉપરાંત માલની હેરફેરમાં ભાડા વધારાથી એફએમસીજી સહિતની કંપનીઓને પ્રોડકટના ભાવો વધારવા પડયા છે. પેઈન્ટસ ઉત્પાદન કંપનીઓ ઉપર પણ ક્રૂડની સીધી અસર છે જેને લઇ પેઈન્ટસના ભાવમાં વધારો થયો છે. પ્લાસ્ટીક, કાગળ સહિતના ઉદ્યોગોમાં કાચા માલના ભાવવધારા છે. છેલ્લા 3 મહિનાથી શરૂ થયેલા ભાવવધારાના દોરમાં ભારતીય ફુગાવો 5 ટકાથી અધિક થયો છે. મોંઘવારીનું વિષચક્ર સમગ્ર વિશ્ર્વને હચમચાવી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં મોંઘવારીનો વૈશ્ર્વિક ભાવાંક 7 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ 2014 પછી પ્રથમ વખત મોંઘવારી ભાવાંક 116 થયો છે.
નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ નિર્દેશ કરી રહ્યા છે કે ક્રુડતેલની તેજીથી પેટ્રોલ - ડીઝલ વધુ મોંઘુ થશે એટલે કોરોનાનો માર સહન કરનાર અર્થતંત્રને પાટે ચડાવવામાં નવી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાલ પરિવહન મોંઘુ થઈ ગયું છે જેને લઇ કૃષિક્ષેત્રમાં પણ બોજ વધશે. રિઝર્વ બેંકે વ્યાજદર વધારવા પડશે આ સ્થિતિમાં અર્થતંત્રની રફતાર ધીમી પડી શકે છે.


કોરોનાની માર માંથી બહાર નીકળવા મથી રહેલા અર્થતંત્રને હવે બેવડો ફટકો લાગ્યો છે. રીટેઈલ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 5.03 ટકા થઈ ગયો છે ત્યારે બીજી તરફ ઔદ્યોગીક ઉત્પાદનમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પેટ્રોલ - ડિઝલના ભાવવધારાની આ સીધી અસર છે. માલભાડા વધતા ખાદ્યચીજો મોંઘી થવા લાગી છે એટલે રીટેઈલ ફુગાવો વધ્યો છે. હવે ડીમાંડ પર અસર વર્તાશે. સાથો સાથ રિઝર્વ બેંક પર વ્યાજ વધારાનું દબાણ સર્જાશે. જાન્યુઆરીમાં ફુગાવા દર 4.06 ટકા હતો