આજથી લાગુ યુપીમાં લવ જેહાદ સામે કાયદો શું છે જાણો

આજથી લાગુ યુપીમાં લવ જેહાદ સામે કાયદો શું છે જાણો

ઉત્તરપ્રદેશમાં લવ જેહાદને લઇ યોગી સરકારે લાવેલા વટહુકમ પર આજે રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરીની મહોર મારતા વટહુકમ કાયદો બન્યો છે અને આજથી આ કાયદાને રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
તા.24 નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો જેને આજે રાજ્યપાલ આનંદીબેન પટેલ મંજૂરીની મહોર મારી છે. આ વટહુકમ પ્રમાણે દગાથી ધર્મ બદલવા પર 10 વર્ષ સુધીની સજા થશે તે સિવાય સહમિતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લા અધિકારીને 2 મહીના પહેલા સૂચના આપવાની રહેશે. ઉત્તરપ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જેહાદ પર નવો કાયદો બનાવીશું જેનાથી લાલચ, દબાણ, ધમકી કે ફસાવી લગ્ન કરવાની ઘટનાઓને રોકી શકાય. યૂપી સરકારના વટહુકમ પ્રમાણે દબાણથી કે દગાથી ધર્મ પરિવર્તન માટે 15 હજાર રૂપિયાના દંડની સાથે 1 થી 5 વર્ષ જેલની સજાની પણ જોગવાઈ છે. જો SC - ST સમુદાયની નાબાલિગ અને મહિલાઓની સાથે આવુ થાય તો 25 હજાર રૂપિયાના દંડની સાથે 3 થી 10 વર્ષની જેલ થશે. યૂપી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું છે કે યૂપી કેબિનેટ વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિષેધ વટહુકમ 2020 લઈને આવી છે. જે ઉત્તરપ્રદેશમાં કાયદા વ્યવસ્થાને સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે જરૂરી છે. છેલ્લા થોડા દિવસોમાં લવ જેહાદની 100 થી વધારે ઘટનાઓ સામે આવી હતી. જેમાં જબરદસ્તી ધર્મ પરિવર્તનના કેસ સામે આવ્યા હતા. તેમાં જાણવા મળ્યુ હતુ કે છળ કપટ, જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. વટહુકમમાં ધર્મ પરિવર્તન ઇચ્છતા લોકોએ નિયત બંધારણ પર 2 મહિના અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી પડશે. આ કાયદાના ઉલ્લંઘન માટે 6 મહિનાથી 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની રકમ 10 હજારથી ઓછી હોવી જોઈએ નહીં.