કોરોના મામલે ગુજરાત સહીત 4 રાજ્યોની સુપ્રીમે કાઢી ઝાટકણી

કોરોના મામલે ગુજરાત સહીત 4 રાજ્યોની સુપ્રીમે કાઢી ઝાટકણી

દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અસમમાં કોવિડ-19 મહામારીની વધી રહેલી ભયાનકતા વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢતા ઠપકો આપ્યો છે અને કોર્ટે સરકારને કહ્યું કે તેઓ કોરોના સંક્રમણને રોકવાની દિશામાં ઉઠાવવામાં આવેલા અત્યાર સુધીના પગલાંની વિસ્તૃત વિગતો 48 કલાકમાં રજૂ કરે અને સાથે સાથે કહ્યું છે કે અમે જાણવા માગીએ છીએ કે તમે સ્થિતિને કેવી રીતે સંભાળી રહ્યા છો. અગાઉ દિલ્હી હાઈકોર્ટે તા.11 અને તા.19 નવેમ્બરે દિલ્હીની આપ સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે મોતને ભેટનારી વ્યક્તિના પરિવારજનોને શું જવાબ આપશો ?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર.એસ.રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહની બેન્ચે કહ્યું છે કે ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. કેસ વધી રહ્યા છે અને હજુ નવેમ્બર માસ જ ચાલી રહ્યો છે. ડિસેમ્બરમાં સ્થિતિ વધુ બગડવા માટે રાજ્યએ તૈયાર રહેવું પડશે. તમારે સજ્જડ પગલાં ઉઠાવવા જ પડશે। મહામારી દરમિયાન લગ્નને લઈને ગુજરાત સરકારે બનાવેલી નીતિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા બેન્ચે કહ્યું હતું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે દિવસમાં વિવાહ સમારોહ યોજવાની પરવાનગી આપી જ શા માટે ?
તમે અત્યાર સુધી શું પગલાં ઉઠાવ્યા ?
સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ એમ ચાર રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે રાજ્યો 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે તેમજ કોવિડ દર્દીઓની રાખવામાં આવતી સારસંભાળની વ્યવસ્થાની અદ્યતન વિગતો રજૂ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સાંભળી રહ્યા છીએ કે આ મહિને કોરોના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. અમે તમામ રાજ્યો પાસેથી તાજો સ્ટેટસ રિપોર્ટ ઈચ્છીએ છીએ. જો રાજ્યોએ તૈયારી કરી નથી તો ડિસેમ્બરમાં સ્થિતિ બહુ ભયાનક થવાની છે.
દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે બેડ અનામત રાખવામાં આવી ચૂક્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી સરકારના આ જવાબ સાથે સહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તા.13 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરીને આ દિશામાં કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી શુક્રવારે કરશે.