ખેડૂત આંદોલનને લઇ હરિયાણાના કૃષિમંત્રીનું વીવાદિત નિવેદન તો બીજી તરફ ગાંધીજીના પૌત્રીનું સમર્થન

ખેડૂત આંદોલનને લઇ હરિયાણાના કૃષિમંત્રીનું વીવાદિત નિવેદન તો બીજી તરફ ગાંધીજીના પૌત્રીનું સમર્થન

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો આજે 81મો દિવસ છે ત્યારે હરિયાણાના કૃષિમંત્રી જે.પી.દલાલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે જો ખેડૂત ઘરમાં જ હોત તો તેઓ મોતને ન ભેટ્યા હોત ?
શું 6 મહિનામાં 200 લોકો પણ ન મરે ?
ખેડૂતોના મોત તેમની ઈચ્છાથી થયા છે. જો કે બાદમાં જે.પી.દલાલે સ્પષ્ટતા કરી હતી કે તેમનું નિવેદન ફેરવીને રજૂ કરાયું છે.
દિલ્હીમાં તા.26 મી જાન્યુઆરીની હિંસા અને ત્યારબાદ આંદોલન સ્થળો પર થયેલા પથ્થરમારા બાદ કિસાન સંયુક્ત મોરચાએ આંતરિક દેખરેખ વધારી દિધી છે. તે માટે 150 જેટલાં વોલેન્ટિયર લાકડી અને વોકીટોકીની સાથે અનેક જગ્યાએ તહેનાત છે જે આખો દિવસ ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળે છે. બીજી બાજુ ત્રણેય કૃષિ કાયદાની માગને લઈ કુંડલી બોર્ડર પર બેઠેલા ખેડૂત હવે સરકાર પર દબાણ બનાવવા માટે તા.18 ફેબ્રુઆરીએ દેશભરમાં રેલ રોકો આંદોલન કરવાના છે ત્યારે રેલવે પ્રશાસને સોનીપત રેલવે સ્ટેશન પરિસર અને રેલવે ટ્રેક ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી દિધી છે. બે રિઝર્વ બટાલિયન પણ બોલાવવામાં આવી છે. 4 કલાક માટે રેલ રોકો આંદોલનને લઈને રણનીતિ બનાવવામાં આવી રહી છે. ધરણાં સ્થળો પર બેઠેલા ખેડૂત આંદોલનને લઈને સરકાર પર દબાણ વધારવા માટે હવે તેજ રણનીતિઓ બનાવી રહ્યાં છે જેનો અંતિમ નિર્ણય મોરચાની બેઠકમાં થશે કે આંદોલનને કઈ રીતે આગળ વધારવાનું છે. હાલ આહ્વાન કરવામાં આવ્યું છે કે કોઈ પણ કિંમતે આંદોલન સ્થળ પર અશાંતિ ન થાય.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી કહ્યું હતું કે કેન્દ્ર સરકારના વિવાદિત કૃષિ કાયદાનો વિરોધ ત્યાં સુધી થતો રહેશે જ્યાં સુધી ખેડૂતોની માગ નહીં માનવામાં આવે. ગરમીઓમાં ધરણાં સ્થળો પર ટકી રહેવા માટે ખેડૂતોને AC અને કુલરની જરૂરિયાત રહેશે એવામાં સરકારે વીજળ કનેક્શન આપવું જોઈએ નહીંતર અમારે જનરેટર લાવવું પડશે. જે રીતે અમને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે જનરેટર માટે ડીઝલ પણ ઉપલબ્ધ કરાવી લઈશું.
શનિવારે મહાત્મા ગાંધીના પૌત્રી તારા ગાંધી ભટ્ટાચાર્યએ ગાજીપુર બોર્ડર પહોંચીને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તમારું આંદોલન ઘણું જ યોગ્ય છે. તે તમારી અડગતાથી જ ખ્યાલ આવે છે. હું સત્યની સાથે છું અને હંમેશા રહિશ.