ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાના 7 દિવસમાં બોર્ડ બેઠકની જોગવાઈ - મેયરના નામોને લઇ ચર્ચાઓ

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાના 7 દિવસમાં બોર્ડ બેઠકની જોગવાઈ - મેયરના નામોને લઇ ચર્ચાઓ

ગુજરાત રાજયની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનું મતદાન આજે પૂર્ણ થયું છે જેની મતગણતરી તા.2 માર્ચના રોજ યોજાશે. જેને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયર સહિતના હોદેદારોની પસંદગી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં કયા મહાનગરમાં કોને મેયર તરીકે પસંદ કરવા તે અંગેની સમીક્ષા કરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુરી થઈ ગઈ છે અને ભાજપે મહાનગરપાલિકાઓમાં બહુમતી પ્રાપ્ત કરી લીધી છે તો બીજી તરફ રવિવારે નગરપાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ પૂર્ણ થઇ ગઈ છે. જો કે આ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મહાનગરપાલિકાઓમાં મેયર સહીતના અન્ય હોદેદારોની પસંદગી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવશે.
ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પુરી થયાનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેના 7 દિવસની અંદર જ જોગવાઈઓ મુજબ મ્યુનિસિલપલ કોર્પોરેશન દ્વારા બોર્ડની બેઠક યોજાશે. જેથી આજના મતદાન પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓ મ્યુનીસીપલ કોર્પોરેશન મેયર સહિતના હોદેદારોની પસંદ કરવા માટે મહત્વની બેઠક કરશે. ભાજપના 3 નિર્ણયો બાદ મોટાભાગના ઉમેદવારો અને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતા પરંતુ મહાનગરપાલિકાઓના પરિણામો ભાજપ તરફી આવતા ઉભો થયેલો અસંતોષ અચાનક જ શાંત થઈ ગયો છે. જેના કારણે મહાનગરપાલિકાઓમાં હવે મેયર સહીતના હોદેદારોની પસંદગી પ્રક્રિયામાં નારાજગીનું વાતાવરણ જોવા મળશે નહીં તેવું ભાજપના નેતાઓ માની રહ્યા છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મેયર સહીત અન્ય હોદેદારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ અપાયા બાદ રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ નામોની યાદી મોકલવામાં આવશે અને ત્યારબાદ જ મેયર અને હોદેદારોના નામની આખરી મહોર મારવામાં આવશે છે.