દેશભરમાં રૂ.30 નું પેટ્રોલ-ડીઝલ રૂપિયા 90 મેં વેચાય છે : વધારાનો ટેકસ પાછો ખેંચવા પૂર્વ પેટ્રોલિયમ સચિવનો મત

દેશભરમાં રૂ.30 નું પેટ્રોલ-ડીઝલ રૂપિયા 90 મેં વેચાય છે : વધારાનો ટેકસ પાછો ખેંચવા પૂર્વ પેટ્રોલિયમ સચિવનો મત

હાલમાં દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ આકાશની ઉંચાઈને આંબી રહ્યા છે ત્યારે કેન્દ્રનાં પૂર્વ પેટ્રોલીયમ સચીવએ કહ્યું છે કે સરકાર ધારે તો ઈંધણમાં 12 થી 14 રૂપિયા સુધીની રાહત આપી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા કરવા કેન્દ્ર સરકારે ગત માર્ચ અને મે મહિનામાં બે તબકકે પેટ્રોલમાં રૂા.12 તથા ડીઝલમાં રૂા.14 નો ટેકસ વધાર્યો હતો. હવે આર્થિક પરિસ્થિતિમાં સુધારો છે ત્યારે સરકારની ટેકસ વસુલાત વધવા લાગી છે. આ સંજોગોમાં આમ આદમીને રાહત આપવા માટે સરકારે વધારાનો રૂા.12 થી 14 નો વધારાનો ટેકસ પાછો ખેંચી લેવો જોઈએ. મોટી આવક ઉભી કરવા ઈંધણ પર ટેકસ ઝીંકવાનો રસ્તો સૌથી સરળ છે આ કેન્દ્ર અને રાજય એમ બન્ને સરકારોને લાગુ પડે છે. ગત માર્ચમાં ક્રુડમાં કડાકો સર્જાયો ત્યારે ટેકસ વધારો અપેક્ષીત હતો પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે ત્યારે સરકારે વધારાનો ટેકસ પાછો ખેંચવો જોઈએ જેથીઆમ આદમીને રાહત મળી શકે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના રીફાઈનરીઓના ભાવ માત્ર 30 - 31 રૂપિયા જેટલા જ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલમાં 33 રૂપિયા તથા ડીઝલમાં 32 રૂપિયાનો ટેકસ વસુલે છે. આ સિવાય પ્રતિ લીટર રૂા.2.50 થી 3.50 રૂપિયાનું કમીશન લાગે છે અને વધારામાં રાજય સરકાર 20 થી 25 ટકા જેટલો વેટ ઉઘરાવે છે એટલે રૂા.30 ના પડતર ભાવનાં પેટ્રોલ અને ડીઝલ રૂા.90 માં લોકોને મળે છે.
કેરોસીન તથા રાંધણ ગેસ ઉપર ભુતકાળમાં કોઈ ટેકસ ન હતો. રાંધણ ગેસનું ઉત્પાદન પર્યાપ્ત નથી ત્યારે સરકારે ભાવ નિયંત્રણ લાગુ પાડવા જોઈએ. ઈંધણનો ભાવ વધારો સતત ચાલુ જ હોય તેમ આજે પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘા થયા હતા. સતત નવમાં દિવસે તેલ કંપનીઓ દ્વારા 25 થી 27 પૈસાનો ભાવ વધારો લાગુ પડયો હતો. વિશ્ર્વ બજારમાં ક્રુડતેલ મોંઘુ થતા પેટ્રોલીયમ કંપનીઓ ભાવ વધારો જીકતી રહી છે. ચાલુ મહિનાનાં 17 દિવસમાં ઈંધણમાં સરેરાશ 2.50 થી 3 રૂપિયાનો ભાવ વધારો થયો છે. પેટ્રોલ - ડીઝલ તથા રાંધણગેસ જેવા ઈંધણનાં ભાવમાં સતત વધારા વચ્ચે દેશમાં મેઘાલય સરકારે લોકોને રાહત આપી છે. ગુજરાત સહીતનાં રાજયોએ અનુસરવા જેવા આ પગલા અંતર્ગત મેઘાલય સરકારે પેટ્રોલમાં લીટર દીઠ રૂા.5.40 તથા ડીઝલમાં રૂા.5.10 નો ઘટાડો કર્યો છે. મેઘાલય સરકારે બે તબકકામાં અત્યાર સુધીમાં અંદાજિત 7 રૂપિયા સુધીનો ભાવ ઘટાડો કર્યો છે. રાજયમાં પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા સામે ચાલતા આંદોલન પછી સરકાર ઝુકી છે. મુખ્યમંત્રી સાંગ્માએ કહ્યું હતું કે સ્થાનિક ટેકસ ઘટાડાતા રાજય સરકારની આવકને ફટકો પડશે પરંતુ લોકોને રાહત મળશે. રાજય સરકારે પેટ્રોલ પરનો વેટ 31.62 ટકાથી ઘટાડીને 20 ટકા કર્યો હતો જયારે ડીઝલ પરનો વેટ 22.59 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે જેને લઇ મેઘાલયમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે જયારે દેશભરમાં સરેરાશ રૂા.30 નું પેટ્રોલ લોકોને રૂા.90 માં મળે છે.