માનવ જીવન ખૂબ કિંમતી છે - ફરી હેલ્મેટ પહેરીયે : મંત્રી ફળદુ

માનવ જીવન ખૂબ કિંમતી છે - ફરી હેલ્મેટ પહેરીયે : મંત્રી ફળદુ

ગુજરાત રાજયમાં શહેરી વિસ્તારોમાં સરકારે ગત તા. 4 ડીસે।થી ટુ વ્હીલર્સ વાહન ચાલકો માટે હેલ્મેટ મરજીયાત કરેલ છે તે હવે ફરીથી ફરજીયાત થવા તરફ છે. આવતી કેબીનેટ મીટીંગમાં નિર્ણય થવાની સંભાવના હોવાનો નિર્દેશ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કર્યો છે. ફરજીયાત હેલ્મેટ સામે લોકોમાં ખુબ હોબાળો થયા બાદ સરકારે તા 4 ડીસેમ્બરથી હેલ્મેટનો અમલ મરજીયાત કરેલ. રાજય સરકારના આ નિર્ણય સામે કેન્દ્ર કક્ષાની રોડ સેફટી ઓથોરીટીએ સરકારનો જવાબ માંગેલ, કેન્દ્ર સરકારનો કાયદો રાજય સરકાર રદ કરી શકે નહી તેવા પત્ર પાઠવેલ. થોડા દિવસ પહેલા ખુદ મુખ્યંમંત્રીએ પણ હેલ્મેટ થોડા દિવસ માટે જ મરજીયાત હોવાનુ જણાવેલ.
આજે વાહન વ્યવહાર મંત્રીએ ફરી હેલ્મેટ આવી રહયાનો નિર્દેશ કર્યો છે. આજે બપોરે સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરીષદમાં પત્રકારોએ હેલ્મેટ અંગે પ્રશ્ન પુછતા મંત્રીએ જવાબમાં જણાવેલ કે હેલ્મેટ ફરજીયાત કરવાનું સરકારની વિચારણા હેઠળ છે. રોડ સેફટી કાઉન્સીલે ચીફ સેક્રેટરીને આ અંગે દિશા નિર્દેશ કરતો પત્ર પાઠવેલ છે. જેમાં જણાવેલ માથાની ઇજાના કારણે થતા માનવ મૃત્યુ ઘટાડવા માટે રાજયવાસીઓ હેલ્મેટ પહેરવાની માનસીકતા બનાવે તે જરૂરી છે. સુપ્રિમ કોર્ટના આદેશનો આદર કરવો જોઇએ. જે તે વખતે શહેરોમાંથી વ્યાપક રજુઆત આવતા હેલ્મેટનો અમલ મોકુફ રાખેલ. ગ્રામીણ લોકોએ આ બાબતે ખુબ શિસ્ત જાળવી છે. શહેરી કક્ષાએ હેલ્મેટ પહેરવાની માનસીકતા શા માટે નહી. આખરે સરકારમાં બેઠેલા લોકો પણ માણસો જ છે. માથાની ઇજાથી કોઇનું મૃત્યુ થાય તેવુ સરકાર ઇચ્છતી નથી. આપણે સૌએ રોડ સેફટી ઓથોરીટી અને સુપ્રીમના આદેશના અમલની દિશામાં જવુ પડશે.
રાજય સરકાર હેલ્મેટ ફરી કયારથી ફરજીયાત કરવા માંગે છે ?
તેવા સવાલના જવાબમાં મંત્રી ફળદુએ જણાવેલ કે આ બાબતે આવતી કેબીનેટમાં ચર્ચા કરવામાં આવશે જે ચર્ચાના આધારે નિર્ણય થશે.