સુરતનું તંત્ર પાટીલ પુત્રના ઘૂંટણિયે - જન્મદિનની ઉજવણીમાં કલમ 144 અને કોરોના ગાઈડલાઇનના ધજગરા

સુરતનું તંત્ર પાટીલ પુત્રના ઘૂંટણિયે - જન્મદિનની ઉજવણીમાં કલમ 144 અને કોરોના ગાઈડલાઇનના ધજગરા

સુરત શહેરમાં કોરોનાએ અજગરી ભરડામાં લીધું છે ત્યારે જાહેર સ્થળો ઉપર લોકો એકત્રિત ન થાય તે માટે સુરત પાલિકાના વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ લગાડવામાં આવતાજાહેર સ્થળોએ સભા અને કાર્યક્રમોના આયોજન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેને લઇ વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય પરંતુ રાજકિય નેતાઓ અને તેમના પરિવારના સભ્યો હજુ પણ સરકારની ગાઇડલાઇનની ઐસી તૈસી કરી મનફાવે તે રીતે ગમે ત્યાં કાર્યક્રમો કરી રહ્યા છે. તા.3 એપ્રિલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલનો જન્મ દિવસ હોઈ જાહેરમાં કાર્યક્રમ યોજી જન્મ દિવસની ઉજવણીના વીડિયો વાયરલ થયા છે. જે અંગે જીગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે અમારા દરેક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે અને બધા જ લોકો માસ્ક પહેરતા હોય છે. મેં ફક્ત મારી સ્પીચ દરમિયાન જ માસ્ક નીચે ઉતાર્યું હતું પરંતુ વાસ્વિકતા એ હતી કે વીડિયોમાં કૈસે પણ સોસીયલ ડિસ્ટન્સ દેખાતું ના હતું અને ટોળામાં કાર્યકરો હાજર હોઈ મોટી સંખ્યામાં લોકોએ માસ્ક પણ પહેરેલા દેખાતા ન હતા છતાં પોતે ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા હોવાની વાત તેમણે સદંતર સ્વીકારવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે મારા જન્મ દિવસની ઉજવણી દરમિયાન સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું નથી. મારા જન્મ દિવસના દિવસે અલગ અલગ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાનો પણ કાર્ય્રકમ હતો. અમે ગરીબોને જમવા માટેની પણ વ્યવસ્થા કરી હતી. નાગશેન નગરમાં જે લોકોએ આયોજન કર્યું હતું તેમને અમે પહેલાથી જ સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને જ સેલિબ્રેશન થશે. પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગશેન નગરમાં સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારની કોરોના ગાઇડલાઇનનો સદંતર ભંગ થતો જોવા મળ્યો હતો. લોકોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ સી.આર.પાટીલની ગુડ ડાયરીમાં આવવા માટે જીગ્નેશ પાટીલના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉજવણી પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડયા હતા છતાં કોઈપણ જાતના વહીવટી તંત્રના ડર વગર જીગ્નેશ પાટીલે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી જ્યાં તંત્ર લોકોના ધંધા રોજગાર બંધ કરાવી રહી છે અને લોકોને દંડ ફટકારી રહી છે ત્યારે આ બહાદુર પાલિકા અને પોલીસ તંત્ર પાટીલ પુત્રના જન્મ દિવસે ઘૂંટણિયે પડતું દેખાયું હતું. જીગ્નેશ પાટીલ અને તેમની આસપાસ મોટી સંખ્યામાં ભેગા થયેલા સમર્થકો બિન્દાસ્ત ફરતા હતા જેમાં મોટાભાગના યુવકોના ચહેરા ઉપર માસ્ક પણ ન હતો તેમજ સ્થળ ઉપર સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને જે વીડિયો વાયરલ થયા છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી તેવું સ્પષ્ટ દેખાય છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષના પુત્રએ કોરોના મહામારીને લઇ ગંભીરતા ન દાખવીને જન્મદિવસની ઉજવણી કરી હતી જે  ખૂબ જ દુઃખદ બાબત છે. આજે સમગ્ર શહેરમાં કોરોનાના મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સામાન્ય જનતા ઉપર કાયદાનો કોરોડો વીંઝતું નમાલું તંત્ર નેતાઓ અને તેમના પરિવારજનો ઉપર કોઇ એક્શન લેશે એવો ડર ન હોવાના કારણ કે અત્યાર સુધી કોઈપણ નેતા સામે સરકારી તંત્ર દ્વારા ગંભીર પગલા લેવામાં આવ્યા નથી કે તેમની પાસેથી કોઈ દંડ પણ વસુલમાં આવ્યા નથી. જેને લઇ બેફામ બનેલા નેતા પુત્રએ જન્મદિનની ઉજવણી કરીને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકયા છે. નેતાઓના વહાલા થવાની લ્હાયમાં ન આવી જનતાને પણ સમજીને તેનાથી દૂર રહેવાની લોકો ચર્ચા કરી રહ્યા છે.
કોરોના સંક્રમણ વચ્ચે વાયરલ થયેલા વીડિયોમાં સરકારની કોવિડ ગાઇડ લાઇનનું ઉલ્લંઘન દેખાય છે સાચા સામાજિક નેતાઓએ લોકો દ્રારા આ પ્રકારનું આયોજન પણ કર્યું હોય તો તેમને સમજાવીને આવા કાર્યક્રમ ન કરવા માટે તેમના સ્વજનોને સમજાવવા જોઈએ પરંતુ અહીં નેતા પુત્ર જાતે જ હરખપદૂડા થઈને કાર્યક્રમમાં જવાની તક છોડતા નથી આમ આવા નેતાઓના કારણે જ આજે સુરત શહેરમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં સરકારની કોવિડ ગાઇડ લાઇનના બેફામ ધજાગરા ઉડી રહ્યાં હોઈ છતાં સૌ કોઈ જાણે છે કોઈ સામે પગલાં લેવાના નથી. સરકારની ગાઈડલાઈન માત્રને માત્ર સામાન્ય પ્રજા પૂરતી સીમિત જ રહી ગઈ છે ત્યારે જનતા એ જ જાગૃત થવું પડશે અને વિચાવું પડશે કે આવા નેતાઓ બેફામ બનવા પાછળનું કારણ શું છે ?


jignesh patil birthday
જ્યાં સુધી મતદારો પોતાની મતદાન સમયેની ઉદાસીનતાને ખંખેરીને સાચા અને આમ જનતાના નગરસેવકોને નહિ ચૂંટે ત્યાં સુધી આવા બની બેઠેલા નેતાઓ બેફામ બનીને પોતાનો રોફ જાડતા જ ફરશે.