સુરતમાં અતુલ વેકરીયા બાદ નિમેષ સાકરિયાએ દારૂ ઢીંચી બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો

સુરતમાં અતુલ વેકરીયા બાદ નિમેષ સાકરિયાએ દારૂ ઢીંચી બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો

સુરત વેસુમાં બનેલી અને શહેરની ચકચારીત અતુલ વેકરિયા દ્રારા થયેલ કાર અકસ્માતમાં મહિલાના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે લક્ઝુરિયસ બ્લેક ફોર્ચ્યુનર કારે એક યુવકને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી અવધ બિલ્ડીંગ પાસે બ્લેક કલરની ફોર્ચ્યુનર કારે એક્ટિવા સવારને અડફેટે લઈ 40 ફૂટ સુધી ઘસડી નાસી છૂટ્યો હતો. લક્ઝુરિયસ કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓ દ્રારા જાણવા મળ્યું છે. અકસ્માતમાં ભોગ બનનાર 28 વર્ષીય સાગર તેની બહેનના ઘરેથી યોગી ચોક તરફ જતો હતો જે દરમિયાન બ્લેક ફોર્ચ્યુનર ગાડીએ તેને અડફેટે લીધો હતો. ફોર્ચ્યુનર કાર ચાલક નિમેષ બાબુ સાકરીયા હોવાનું જાણવા મળ્યું છે જે 143, શાંતિનાગર - 2 સરથાણા ખાતેનો રહેવાસી છે. ગંભીર ઈજાગ્રસ્ત સાગર એક્ટિવા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ ગાડી હંકારીને નિમેષે તેને અડફેટે લીધો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા. લોક ટોળું એકત્રિત થતાં જ નિમેષ સાકરીયા ગાડી છોડીને ભાગી ગયો હતો. ફોર્ચ્યુનર ગાડીનો ચાલક નિમેશ બાબુ સાકરીયાએ 30 થી 40 ફૂટ સુધી સાગરને ઘસડયો એટલી બેફામ હદે ગાડી ચલાવતો હતો. ગાડી નંબર GJ - 05 - RJ - 0551 સવાર નિમેષ સાકરીયા હંમેશા દારૂ પીધેલી હાલતમાં રસ્તા ઉપર ફરતો હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા કહ્યું હતું કે હંમેશા મોડી રાત્રે વીટીનગર વિસ્તારની આસપાસ નિમેષ દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હંકારતો હોય છે. જેને લઇને ઘણી વખત લોકોએ તેને ટકોર પણ કરી હતી પરંતુ નશામાં ચૂર રહેતો નિમેષ કોઈની વાત પણ માનતો ન હતો.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સાગરના બનેવી નિકુંજ સવાણીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેષ સાકરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેના બંને હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પરિવારજનોએ પણ નિમેષ સાકરીયા સામે પગલાં લેવા માટે રજૂઆત કરી છે. હાલમાં જ બનેલા અતુલ વેકરીયા કેસમાં પણ લક્ઝુરિયસ કાર ચલાવતા જ અકસ્માત સર્જાયો હતો. એ જ રીતે નિમેષ સાકરીયાએ પણ દારૂ પીધેલી હાલતમાં કારચલાવી સાગરને અડફેટે લીધો છે. આમ નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવનાર સામે પોલીસે સખ્ત પગલાં ભરવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.