સુરત : હોમગાર્ડના કંપની કમાન્ડરે 17 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો

હોમગાર્ડના કંપની કમાન્ડરે પોતાના હાથ નીચે કામ કરતા હોમગાર્ડની 17 વર્ષિય દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. 17 વર્ષીય કિશોરીનું અપહરણ કરી નર્મદા જિલ્લામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. હોમગાર્ડ પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી પુત્રીને શોધી કાઢી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણા પી.આઈ. વી.યુ. ગડરિયાએ જણાવ્યું હતું કે 7મી એપ્રિલે પુણા વિસ્તારમાં રહેતી 17 વર્ષિય કિશઓરી ઘરેથી કોલેજ જવા નીકળ્યા બાદ પરત આવી ન હતી. તેના પિતાએ પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ કરતા કિશોરીનું લોકેશન નર્મદા જિલ્લાનું મોટીનાલ ગામ આવ્યું હતું. પોલીસની એક ટીમ મોટીનાલ ગામ જઈને ત્યાંથી કિશોરીનો કબજો લીધો હતો. પોલીસે ત્યાંથી આરોપી નર્મદા જિલ્લાના સાગબારા ના દોધનવાડી ગામમાં રહેતા રાજેશકુમાર મનુ વસાવાની અટકાયત કરી હતી. રાજેશ હોમ ગાર્ડમાં કંપની કમાન્ડરના હોદ્દા પર ફરજ બજાવે છે. જ્યારે કિશોરીના પિતા અને આરોપી રાજેશ 2001માં સાથે હોમગાર્ડમાં જોડાયા હતાં. પછી રાજેશને કંપની કમાન્ડર તરીકે પ્રમોશન મળ્યું હતું. ત્યાર બાદ રાજેશ અવાર-નવાર કિશોરીના પિતાને મળવા ઘરે આવતો હોવાથી તે સમયે તેણે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. કિશોરી પર બળાત્કાર ગુજારતા રાજેશ સામે અપહરણના ગુનામાં બળાત્કારની કલમ ઉમેરાઈ હતી. વધુમાં રાજેશ પહેલાંથી જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. 2019માં તેના વિરૂદ્ધ કડોદરા જીઆઈડીસી પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાત નો ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઈ હતી.