ભરૂચ : ગૃહરાજ્યમંત્રીએ આરોગ્યતંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અનુલક્ષીને પ્રભારી મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભરૂચની મુલાકાત લઈ આયોજન ભવનના સભાખંડમાં જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે પ્રવર્તમાન કોવિડ-૧૯ની સ્થિતિ અને આરોગ્યતંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. સહકાર, રમતગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકારે પ્રથમ ફેઝથી જ અનેકવિધ આરોગ્યલક્ષી પગલાઓ લઈને લોકોને કોરોનામુક્ત રાખવા તેમજ સારવાર ઉપલબ્ધ કરવાં પ્રમાણિક પ્રયાસો કર્યા છે. રાજ્યમાં ઝડપથી વધી રહેલી કોરોના સંક્રમણની બીજી લહેરને ખાળવા સરકાર રાતદિવસ એક કરી રહી છે. વેક્સીનેશન એ કોરોના સામે લડવા કારગર શસ્ત્ર છે. રાજ્યમાં ૧૮ થી ૪૫ વયજૂથના લોકો વધુમાં વધુ વેક્સીન મૂકાવી સુરક્ષિત બને એ જરૂરી છે.
જાડેજાએ જણાવ્યું કે, ગત તા. ૧૧મી એપ્રિલથી કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભરૂચમાં કુલ ૭૨૨૫ કેસ નોંધાયા છે, જેમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૨૦૭૯ છે. ૫૦૮૨ દર્દીઓ કોરોનામુક્ત થયા છે, જ્યારે ૬૪ વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. સિવિલ તેમજ ડેડીકેટેડ હોસ્પિટલોમાં કુલ ૨૮૮૭ બેડ ઉપલબ્ધ છે, જે પૈકી ૧૮૮૫ બેડ ભરાયાં છે, અને ૧૦૦૨ બેડ ખાલી છે. કુલ બેડમાં ૧૫૨૭ ઓક્સિજન બેડ અને ૨૬૨ આઈ.સી. યુ. બેડની વ્યવસ્થા છે. કોરોના સામે લડવામાં વેક્સીન અસરકારક શસ્ત્ર સાબિત થયું હોવાથી વેક્સીનેશન કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. આજ સુધી ૪૫ થી વધુ વયના ૧,૭૮,૨૨૩ લોકોને પ્રથમ ડોઝ અને ૪૨,૪૬૬ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રેમડેસિવિર ઈન્જેક્શનોની ઉપલબ્ધતા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, ભરૂચની દરરોજ ઈન્જેક્શનો ફાળવવામાં આવે છે, જ્યારે આજ સુધી ૧૧,૬૦૦ ઈન્જેક્શનો ફાળવવામાં આવ્યા છે. ભરૂચમાં હજુ દૈનિક નવ ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જે સત્વરે પૂર્ણ થાય એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે.
જાડેજાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના સ્થાપના દિવસ તા.૧લી મે થી ૧૫ મે સુધી રાજ્યના તમામ ગામોમાં કોરોના સામે જનજાગૃત્તિ કેળવવા, ગામને કોરોના સંક્રમણથી મુક્ત રાખવા 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ ૧૦ સભ્યોની કમિટી બનાવી ગામોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગ્રામજનોને ગામની વાડી, કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળાઓમાં આઈસોલેટ કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. ગામના સરપંચ, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના સહયોગથી જિલ્લા આરોગ્યતંત્ર આ અભિયાનને ઘર ઘર સુધી લઈ જઈને લોકજાગૃત્તિ કેળવશે અને ગ્રામ્ય સ્તરે જ સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરશે તેમ જણાવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને કોવિડ-૧૯ની વિગતો આપતા જણાવ્યું કે, કોરોનાની વધતી જતી વિકટ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા સાથે મળીને તમામ સક્રિય અને પ્રભાવી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આત્મીય કોલેજમાં આયોજિત બેઠકમાં કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કોવિડ કામગીરી, દર્દીઓની સારવાર સુવિધાઓ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપીને માહિતગાર કર્યા હતાં. જેમાં તેમણે વહિવટી અને આરોગ્યતંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે લેવામાં આવી રહેલા પગલા, ડોર-ટુ-ડોર સર્વેલન્સ, ટેસ્ટીંગ, રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણીની વ્યવસ્થા સહિતની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
ભરૂચ જિલ્લાની કોવિડ કામગીરી અને આરોગ્ય સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની કોવિડ ૧૯ અંગેની જાણકારી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નં.૦૨૬૪૨ ૨૨૨૨૪૪ કાર્યરત છે, જેમાં નાગરિકો કોલ કરીને જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવે છે. ભરૂચના તમામ ગામોમાં કોરોના જાગૃતિ સમિતિ બનાવવામાં આવી છે. જેના સરપંચ અને યુવા તેમજ જાગૃત્ત ગ્રામજનોની ટીમ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભરૂચમાં ૩૩ ધન્વંતરિ રથ કાર્યરત છે, જેમાં તાલીમબદ્ધ મેડિકલ ટીમ દ્વારા પ્રત્યેક રથ દીઠ ૧૧૮ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે, જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ દવા અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં રસીકરણ પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવી છે, ૪૫થી વધુ વયના ૧,૭૮,૨૨૩ લોકોને પ્રથમ ડોઝ અને ૪૨,૪૬૬ ને બીજો ડોઝ આપી દેવાયો છે. ભરૂચમાં તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યાની જાહેર સ્થળોએ અને હોસ્પિટલની બહાર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડમાં વિગતો મૂકવામાં આવે છે અને દર ચાર કલાકે બેડ વેકન્સીની વિગતો અપડેટ કરવામાં આવે છે.
આ બેઠકમાં પ્રભારી સચિવ શાહમીના હુસેન, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, રેન્જ આઈ.જી શ્રી હરિકૃષ્ણ પટેલ, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, સિવિલ હોસ્પિટલ આર.એમ.ઓ. ડો.એસ.આર. પટેલ, સહિત આરોગ્ય, વહીવટીતંત્ર અને પોલિસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.