પંચમહાલ : એક જ મહિલા સાથે બે મિત્રોને થયેલા પ્રેમનો કરુણ અંજામ

પ્રેમ સંબધમાં વફાદારી શબ્દ ની જયારે બાદબાકી થાય ત્યારે જવાબ રૂપે નિષ્ફળતા જ મળે છે.પરંતુ ક્યારેક પ્રેમમાં મળેલ નિષ્ફ્ળતા કે બેવફાઈને પચાવી ન શકતા તેનું પરિણામ અતિ ગંભીર આવતું હોય છે.આવું જ કૈક પંચમહાલના હાલોલ તાલુકા હના ઈંટવાડી ગામમાં બન્યું છે જ્યાં પ્રણય ત્રિકોણમાં બે પ્રેમીઓ વચ્ચે ક્રૂરતાની હદ વટાવતા એક પ્રેમી એ પોતાની પ્રેમિકા ના બીજા પ્રેમીને ગળે ફાંસો આપી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને બાઈક સાથે બાંધી કુવામાં નાખી દીધો હતો.શું છે સમગ્ર મામલો જોઈએ અમારા આ વિશેષ અહેવાલ માં.......
ઈંટવાડીના બે મિત્રો ગામનો એક જ યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા.એક જ મહિલા સાથે બે મિત્રોને થયેલા પ્રેમ સંબધની અદાવતે એક વર્ષ અગાઉ ઝગડો થયો હતો અને જેની અદાવત રાખી આખરે એક પ્રેમી એ પોતાની પ્રેમિકા ને અન્ય પ્રેમી સાથે મિત્રતા કેળવી બદલો લેવા માટે કારસો રચ્યો.હાલોલના તરખંડા ગામના શૈલેષ ચાવડા અને ઈંટવાડી ગામના અલ્પેશ ચાવડા બંને વચ્ચે મિત્રતાના ગાઢ સંબંધો હતા.દરમિયાન જ એક વર્ષ અગાઉ એક જ યુવતી સાથે બંને મિત્રોને સંબધ બંધાયા હતા જે સંબધની જાણ બંને મિત્રો વચ્ચે થઈ જતાં ઝગડો થયો હતો.દરમિયાન થયેલી બોલાચાલીમાં શૈલેષને દાઢીના ભાગે ઇજા પણ થઈ હતી.જોકે આ ઘટના બાદ બંને મિત્રો વચ્ચેના સંબધ યથાવત રહ્યા હતા.પરંતુ અલ્પેશે શૈલશ સાથે બદલો લેવાની છુપી વૃત્તિ પોતાના મનમાં અંકિત કરી લીધી હતી.દરમિયાન 2 જુનના રોજ શૈલેષ ચાવડા પોતાના ઘરેથી બાઈક લઈ હાલોલ ડીઝલ લેવા જવાનું જણાવી નીકળ્યો હતો. એ વેળાએ બંને મિત્રો વચ્ચે ટેલિફોનિક સંપર્ક થયો હતો ત્યારે અલ્પેશે શૈલેષને ઈંટવાડી પોતાના ખેતરમાં બોલાવ્યો હતો.બીજી તરફ શૈલેષ આવે એ પૂર્વે અલ્પેશે તેને મોતને ઘાટ ઉતારી દેવાનું પૂર્વ આયોજિત કાવતરૂ કરી દોરડું અને તેના પિતરાઈ ભાઈને સાથે લઈ ગયો હતો.દરમિયાન અલ્પેશ અને તેના પિતરાઈ ભાઈ સુરપાલસિંહ ચાવડાએ શૈલેષ પહોંચતા જ તેને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને દોરડા વડે બાઈક સાથે બાંધી દઈ કૂવામાં ફેંકી પુરાવાનો નાશ કરી દીધો હતો.બીજી તરફ શૈલષ સાંજ સુધી ડીઝલ લઈ ઘરે પરત નહિં પહોંચતા સ્વજનો ચિંતાતુર બન્યા હતા અને બીજા દિવસે તેના ભાઈએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરી હતી.જે આધારે પીઆઇ કે.પી જાડેજા અને ટીમે શૈલેષ ચાવડાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સમાં પોલીસને મળેલા પુરાવા આધારે પોલીસે એ દિશામાં તપાસ કરી હતી અને અલ્પેશની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.દરમિયાન અલ્પેશે પોલીસ સમક્ષ શૈલેષની હત્યા પોતે કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.વધુમાં તેણે શૈલેષને 2 જૂને જ ફોનમાં વાત કરી બોલાવ્યો હતો દરમિયાન એજ દિવસે હત્યા કરી પોતાના પિતરાઇ ભાઈની મદદ લીધી હોવાની પણ કબૂલાત કરી છે.આમ સાત દિવસથી ગુમ થયેલા યુવકની પોલીસે આદરેલી ઘનિષ્ઠ શોધખોળ દરમિયાન શૈલેષનો મૃતદેહ મળી આવ્યો છે.શૈલેષના અકાળે થયેલા મોતને પગલે તેની પત્ની અને સ્વજનોમાં શોક છવાયો છે.
ચકચારી અને ફિલ્મી સ્ટોરી જેવી આ હત્યા પ્રકરણ માં હાલોલ ગ્રામ્ય પોલીસે સાત દિવસની ભારે જહેમત બાદ ગુમ યુવકને શોધી કાઢી ઈંટવાડી ગામના બે પિતરાઈ ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.આમ બાહ્ય યુવતી સાથેના પ્રેમ સંબધ બાબતે યુવક અકાળે મોતને ભેટતાં તેની પત્ની અને સ્વજનોમાં શોક છવાયો છે.જોકે અન્ય યુવતીના લીધે બંને મિત્રો વચ્ચે ઉભી થયેલી માનસિક તિરાડમાં હાલ એક યુવકને મોત મળ્યું છે તો બીજા યુવકને પોલીસ હીરાસત.આમ બંને મિત્રોના નિર્દોષ પરિવારનો માળો વિખેરાઇ ગયો છે.