પંચમહાલ : આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારનું મંત્રી પદ રદ્દ કરવાની માંગ

મોરવાહડફના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારનું મંત્રી પદ રદ્દ કરવાની માંગ સાથે મોરવાહડફ તાલુકાના આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
તાજેતરમાં જ ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીની સાથોસાથ નવા મંત્રીમંડળની પણ રચના કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લાની આદિવાસી પ્રભુત્વ ધરાવતી મોરવાહડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમિષાબેન સુથારને પણ રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.ત્યારે નિમિષાબેન સુથાર ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ઉપરથી ચુંટણી જીત્યા હોવાના આક્ષેપ સાથે તેમનું મંત્રી પદ રદ્દ કરવાની માંગ કરતું આવેદનપત્ર મોરવાહડફ તાલુકાના આદિવાસી સમાજના લોકોએ મામલતદારને સુપ્રત કરી તેમની રજુઆતને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છેકે નિમિષાબેન સુથાર છેલ્લા કેટલાય સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલા છે. તેઓ પોતે ખોટી રીતે આદિજાતિ પ્રમાણપત્ર મેળવીને અનુસૂચિત આદિજાતિની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હોવા અંગેની હાઇકોર્ટમાં પિટિશન કેસ ચાલુ છે.ત્યારે આવા સંજોગોમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી જેવું મહત્વનું અને સંવેદનશીલ મંત્રાલય સોંપી શકાય તેમ નથી તેવું સમગ્ર આદિવાસી સમાજનું માનવું છે અને નિમિષાબેનને આદિજાતિ મંત્રીનું પદ સોંપવાથી આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુમાં એવું પણ જણાવ્યું છેકે ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિરૂદ્ધ ચાલતા કેસનો જ્યાં સુધી અંતિમ ફેંસલો ન આવે ત્યાં સુધી તેમને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રીના પદ ઉપરથી દૂર કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજની માંગ છે. જો તેમનું પદ રદ્દ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.