Bhabhar : એપીએમસીની ચુંટણીમાં ૧૬ માંથી ૬ બેઠકો બિનહરીફ

ભાભર એપીએમસીની ચુંટણીમાં ૧૬ માંથી ૬ બેઠકો બિનહરીફ,
ચાર વેપારી બેઠક અને બે ખરીદ વેચાણ સહિત છ બેઠકો બિનહરીફ...ખેડૂત વિભાગની દશ બેઠકો માટે ૨૩ ઉમેદવારો મેદાનમાં...
ભાભર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડુત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગ ની ૪ બેઠક અને સહકારી મંડળીઓની ૨ બેઠકો મળી કુલ૧૬ બેઠકો માટે ૫૦ ફોર્મ ભરાયાં હતા. ભાભર એપીએમસીના સભા ખંડમાં ચૂંટણી અધિકારી એસ.બી. ચૌહાણ અને સહકારી અધિકારી પ્રવિણભાઇ ચૌધરી દ્વારા ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગની ચાર બેઠકો માટે દશ ઉમેદવારો મેદાનમાં હતા. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના સહયોગથી અને ભાભર પંથકના સહકારી આગેવાનોની સમજાવટથી અને સમજુતીથી છ ફોર્મ પરત ખેંચાયા હતા. જેમાં ઠક્કર દયારામભાઈ ખેગારભાઈ, પટેલ દિનેશભાઈ સવાભાઈ, પટેલ ભગવાનભાઈ દલરામભાઈ, માળી મોહનભાઈ કાનાભાઈ, બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે સહકારી મંડળીઓના ખરીદ વેચાણ વિભાગમાં ભરાયેલા ચાર બેઠકો પૈકી બે ફોર્મ પરત ખેંચાઈ જતાં પટેલ લાલજીભાઈ હમીરભાઇ, પટેલ લીલાબેન લાલજીભાઈ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે ખેડૂત વિભાગની દશ બેઠકો માટે ૩૪ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા. જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૧૧ ફોર્મ પરત ખેંચાયા હતા. દશ બેઠકો માટે ૨૩ ઉમેદવારો વચ્ચે તારીખ ૨/૧૨/૨૦ ના દિવસે ચુંટણી યોજવામાં આવનાર છે. ચકાસણીમાં બે ફોર્મ રદ્ થયા હતા.અને તારીખ ૩/૧૨/૨૦ રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ બાબતે વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલ એ જણાવ્યું હતું કે વેપારી અને સહકારી મંડળી વિભાગની છે બેઠકો બિનહરીફ થઇ છે. છ બેઠકો બિનહરીફ કરવા બદલ તમામ આગેવાનો આભાર માનું છું અને બિનહરીફ થયેલા તમામ અમારી પેનલના સભ્યો છે.