Bharuch : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ

ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ઝોન પ્રભારી અને પૂર્વે કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવાની અધ્યક્ષતામાં ચુટણીલક્ષી બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી અને ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચુટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરુચ જિલ્લા કોંગ્રેસની ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી. ઝોન પ્રભારી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન નારણ રાઠવા, સહ પ્રભારી માનસિંગ ડોડીયા, કશ્મીરા શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભરુચ જિલ્લા પંચાયત, જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 4 નગર પાલિકાની ચુટણીમાં ઉમેદવારોના નામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરી ઉમેદવારોના નામ પ્રભારી સમક્ષ રજૂ કરાશે અને ત્યાર બાદ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આ બેઠકમાં ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યૂથ કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણ,પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ખાતે કોંગ્રેસની બેઠકમાં હાજર રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ચૂંટણી પૂર્વે કે ચૂંટણી પછી કોઈ ગઠબંધન કરશે નહીં. દરેક બેઠક પર ઉમેદવાર ઉભા રાખી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગર પાલિકા કબજે કરવા પ્રયત્નો કરશે.