Jamnagar : જશાપર ખાતેથી કિસાન સુર્યોદય યોજનાનો તાલુકા વ્યાપી પ્રારંભ

લાલપુર તાલુકાના ૧૮ ગામોના ખેડુતોને હવે સવારે ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી દિવસે પણ વીજ પુરવઠો મળતો થશે..રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ માટે તત્પર છે, ગુજરાત દેશની વીજળી ક્રાંતિનું પહેલ કરનાર પ્રથમ રાજ્ય -અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.. સરકારે સૂર્યઉર્જા, પવનઉર્જા સ્ત્રોતોથી લોકોના ઘરઆંગણે વિજળી ઉત્પન્ન કરી વિકાસ કર્યો છે
જામનગર જીલ્લા ના લાલપુર તાલુકા ના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલ “કિસાન સુર્યોદય યોજના”નો જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લાલપુર તાલુકાના જશાપર ગામ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો...આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે હંમેશા મોખરે રહ્યું છે, અનેક યોજનાઓ થકી ગુજરાતે વિકાસનો ચીલો ચાતર્યો છે ત્યારે હવે કિશાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની પહેલમાં પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનામાં પ્રથમ તબક્કામાં ૧૦૦૦થી વધુ અને બીજા તબક્કામાં ૨૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ આગામી ત્રણ વર્ષ સુધીમાં સમગ્ર ગુજરાતના દરેક ગામડાના ખેડૂતને દિવસે વીજળી આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોની દરેક મુશ્કેલીના સમયે સાથ આપ્યો છે, કમોસમી વરસાદ સમયે સહાય હોય કે કેન્દ્ર દ્વારા દરેક ખેડૂતના હિતની ચિંતા કરી તેના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી હોય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ટેકો બની ઊભી રહી છે. અગાઉની સરકારમાં કેન્દ્રમાંથી આપવામાં આવતી ગ્રાંટ ગ્રામ વિસ્તાર સુધી પૂરતી પહોંચતી પણ ન હતી જ્યારે આજે ગ્રામ્ય વિસ્તાર માટે વસ્તી અનુસાર ગ્રાન્ટ ફાળવી દરેક વ્યક્તિને તેનો લાભ મળે તેની ચિંતા આ સરકાર કરી રહી છે. આ પ્રસંગે એ.પી.એમ.સી. લાલપુરના ડાયરેક્ટર શ્રી કાનાભાઈ કાંબલીયા અને વિનોદભાઈ વડોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી લખુભાઇ વરુ, ગવુભા જાડેજા, જશાપર ગામના સરપંચ શ્રી દેવશીભાઈ જોગલ, તાલુકા પંચાયત લાલપુરના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી વાલીબેન ગાગીયા, અધિક મુખ્ય ઇજનેર શ્રી કે.વી.ભટ્ટ, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી મનિષાબેન વૈષ્ણવ તથા અન્ય મહાનુભાવો,અધિકારીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા