Ankleshwer : રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન

કોંગ્રેસના વરિષ્ઠ દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થતા તેમના સમર્થકો સાથે રાજકીય અને તેમાં પણ વિપક્ષમાં પણ સોંપો પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના પનોતા પુત્ર અહેમતભાઈને શ્રધ્ધાંજલિ અર્પી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાઈરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ બુધવારે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, એ પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે. રાહુલ ગાંધીએ કહ્યું, આજે દુખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓ હંમેશા પાર્ટીના મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. હંમેશા તેમની કમી મહેસૂસ થશે.
અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.