Katchh : યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાને પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવાયા

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ કરાઈ રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તેમની નવી ટીમની રચના કરવામાં આવી છે, જેમાંં કચ્છના યુવા સાંસદ એવા વિનોદભાઈ ચાવડાને પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સંગઠનમાં કચ્છને સ્થાન મળતા જિલ્લા ભાજપના નેતાઓમાં ઉત્સાહ છવાઈ ગયો છે. સાંસદે સંગઠન અને સરકારના નેતાઓનો આ સન્માન બદલ આભાર માન્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૭ ઉપપ્રમુખ, પ મહામંત્રી, ૮ મંત્રી, કોષાધ્યક્ષ અને સહકોષાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છને સંંગઠનમાં સ્થાન અપાયું છે. વિનોદભાઈ ચાવડા નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામના વતની છે. ભાજપમાં યુવા મોરચાથી તેમણે જાહેર જીવનની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ તેઓ સાંસદ તરીકે છેલ્લી બે ટર્મથી કચ્છ-મોરબીની જનતાની સેવા કરી રહ્યા છે. તાજેતરમાં દેશના સાંસદોનો ફેમ ઈન્ડિયા એશિયા મેગેઝિન દ્વારા સર્વે કરાયો હતો, જેમાં રપ શ્રેષ્ઠ સાંસદોમાં વિનોદ ચાવડાને વ્યવહાર કુુશળ સાંસદ તરીકે સન્માન અપાયું હતું. તેઓ કચ્છના પ્રશ્નોને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂ કરી તેના સકારાત્મક ઉકેલ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, જેના કારણે ટૂંકા સમયગાળામાં વિનોદ ચાવડાએ જન-જનમાં લોકચાહના મેળવી છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે તે પૂર્વે વિનોદભાઈ ચાવડાને પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવી મહત્ત્વની ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપમાં યુવા મોરચાના કાર્યકર્તાથી મેં શરૂઆત કરી હતી. આજે મને પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે. નાના કદના કાર્યકરને પાર્ટી દ્વારા ઉંચો મોભો આપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં કાર્યકર્તાઓને સાથે રાખી પાર્ટીનો વ્યાપ વધે તેમજ આગામી ચૂંટણીઓમાં ભાજપની જીત થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવશે. પેજ કમિટીના માધ્યમથી ઘર-ઘર સુધી ફરી લોકો સાથે સંકલન સાધવામાં આવશે. વિનોદ ચાવડાએ પોતાને મળેલી નવી જવાબદારી અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિતનો આભાર માન્યો હતો.