Khergam : મહિલા સરપંચ સામે મનસ્વી વહેવાર બાબતે અવિશ્વાસની દરખાસ્ત

ખેરગામના પાટી ગામનાં મહિલા સરપંચ સામે ગ્રામ પંચાયતના સાત સભ્યોએ મનસ્વી વહેવાર બાબતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.આ સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, સરપંચ વિકાસકામો બાબતે અમને વિશ્વાસમાં લેતાં નથી. સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત થતાં જ પંચાયતનું રાજકારણ ગરમાયું હતું.
ખેરગામ તાલુકામાં આવેલા પાટી ગામમાં આશરે ચારથી સાડા ચાર હજારની વસતી છે અને 10 વોર્ડ આવેલા છે.આ ગામમાં સરપંચ તરીકે ગૌરીબેન રમેશભાઈ પટેલ ફરજ બજાવે છે.તેમની સામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેન્દ્ર મગનભાઈ નાયક સહિત સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં જણાવાયું હતું કે, સરપંચ ગૌરીબેન પટેલ ગામનાં વિકાસકામો બાબતે ગામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેતા નથી. સભ્યના જણાવ્યા મુજબ પંચાયતની સામાન્ય સભા પંચાયત ધારાની જોગવાઈ મુજબ નિયમિત બોલાવતી નથી. પંચાયતનાં નાણાં પંચનાં કામો કે ખર્ચનું વાંચન વર્ષ પૂરું થવા છતાં પણ વાંચનમાં લેવાતું નથી. મનરેગા હેઠળનાં કામોનો ખર્ચ સામાન્ય સભા કે ગ્રામસભામાં વાંચનમાં લેવાતો નથી. ઉપરાંત પંચાયતના વાર્ષિક હિસાબો વિશે પણ ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેવાતા નથી. જેથી ગ્રામ પંચાયતના સભ્યોએ સહી સાથે પાટી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી ચેતનભાઇ ગાદર સમક્ષ મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.