Navsari : સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા

સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મીઓને બે મહિનાથી પગાર ચુકવણી કરવામાં ન આવતા તેમની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. ત્યારે સિવિલ હોસ્પિટલના જવાબદારો જલ્દીથી પગાર ચુકવે તેવી માંગણી કરી કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.
નવસારી સિવિલ હોસ્પિટલમાં 250 જેટલા કર્મીઓ કોન્ટ્રાક્ટ આધારીત કામ કરી રહયા છે. જેઓ દિવસ-રાત દર્દીઓની સેવા કરતા હોય છે. કોરોના કાળમાં પણ આ કોન્ટ્રાક્ટ આધારીત કર્મીઓ રાત-દિવસ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર પણ કરી રહયા હતા. જે હાલ પણ કરી રહયા છે. સાથે જ અન્ય રોગના દર્દીઓની પણ સેવા કરી તેમની ફરજ બજાવી રહયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલનો કારભાર હંમેશા વિવાદમાં રહેતો આવ્યો છે. કોરોનાની મહામારીમાં 24 કલાક ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મીઓનો પગાર મહામારીમાં પણ સમયસર અપાયો ન હતો. જોકે નવસારી ધારાસભ્યએ સિવિલ તંત્રનો ઉધડો લેતા કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ચુકવ્યો હતો. હાલ છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ચુકવવામાં આવ્યો નથી. જેથી કર્મીઓની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. જોકે પગાર મુદ્દે કોન્ટ્રાક્ટ કર્મીઓએ સિવિલ સર્જનને રજુઆત કરી હતી. પરંતુ હજી સુધી પગાર ચુકવવામાં આવ્યો નથી. જેથી શુક્રવારે સવારે કોન્ટ્રાકટ કર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા.
સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટ કર્મીઓ હડતાળ ઉપર ઉતરતા હોસ્પિટલના કામકાજો અટવાયા હતા. જેથી સિવિલ હોસ્પિટલના આરએમઓ એ કોન્ટ્રાકટ કર્મીઓની મુલાકાત લીધી હતી. અને સોમવાર સુધીમાં પગાર થઈ જશે તેવી બાંહેધરી આપી ફરજ ઉપર જોડાવા માટે જણાવ્યું હતું.