મોરબી : ભાજપ અને કોંગ્રેસ આગેવાનોની છુટા હાથની મારામારી

ભારતની કહેવાતી લોકશાહીના આજે લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા આજે ચુંટણી ફોર્મ ચકાસણી સમયે મોરબીના તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસ આગેવાનો છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા જે બનાવને પગલે જીલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભરનાર, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કલેકટર કચેરી દોડી ગયા હતા અને સામુહિક ફોર્મ પરત ખેંચવાની ચીમકી સાથે કલેકટરને ઉગ્ર ભાષામાં રજૂઆત કરી હતી
મોરબી નગરપાલિકાની ચુંટણી લડતા ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે આજે બઘડાટી બોલી ગઈ હતી તાલુકા સેવાસદન ખાતે મારામારીની ઘટના બની હતી જેમાં ભાજપના દેવાભાઈ અવાડીયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે છુટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા ચુંટણી પ્રચાર મામલે બોલાચાલી થયા બાદ બંને નેતાઓ વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી તો સ્થળ પર પોલીસ પણ હાજર હોય પોલીસે દરમિયાનગીરી કરી બંને નેતાઓને છોડાવ્યા હતા જોકે થોડીવાર માટે કચેરીએ વાતાવરણ તંગ બન્યું હતું તો છુટા હાથની મારામારીની ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી અને વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી હતી
સેવા સદન ખાતે મારામારીની ઘટના બાદ મોરબી કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાની આગેવાની હેઠળ જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ફોર્મ પરત ખેંચી લેવાની ચીમકી ઉચ્ચારી ઉગ્ર રજૂઆત કલેકટરને કરવામાં આવી હતી
સમગ્ર બનાવ મામલે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત બાદ જીલ્લા કલેકટર જે બી પટેલે કોંગ્રેસ નેતાઓને ખાતરી આપી હતી જે ઘટના અંગે જીલ્લા એસપી એસ આર ઓડેદરાને બોલાવી ચર્ચા કરી સમગ્ર બનાવ વિશે માહિતી મેળવશે અને યોગ્ય પગલા ભરવા ખાતરી આપી હતી
આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ ભાજપ પર આકરા પ્રહારો અને ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે ભાજપ ફેર ઈલેક્શન કરવા ના માંગતું હોય તો કોંગ્રેસ તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેશે સરકારી કચેરીમાં પોલીસની હાજરીમાં કોંગ્રેસ આગેવાનોને માર મારવામાં આવતો હોય તો પ્રચાર કરવા તેના કાર્યકરો કેવી રીતે જશે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા