Rajkot : દેણું વધીજતા મવડી વિસ્તારના યુવાને ઘડી ફિલ્મી સ્ટોરી

રાજકોટમાં દેણું વધી જતા મવડી વિસ્તારના યુવાને ફિલ્મી સ્ટોરી ઘડી, પરિવારને ફોન કરી કહેતો ‘અપહરણ થયું છે, મને છરી મારી દીધી છે’, અંતે મુંબઇથી પોલીસ શોધી લાવી
રાજકોટના મવડી વિસ્તારના 40 ફૂટ રોડ પર પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને શેરબજારનું કામ કરતો કરણ પુનાભાઈ ગોગરાનું અપહરણ થયાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાંનોંધાઈ હતી. પરંતુ પોલીસને આ ઘટનામાં શંકા જતા તપાસ હાથ ધરી હતી. પોલીસે અંતે કરણને મુંબઈથી શોધી લાવી હતી. પોલીસ પૂછપરછમાં કરણે પોતાને દેણુ વધી જતા અપહરણનું નાટક રચ્યું હતું. કરણે પરિવારને ફોન કરીકહ્યું હતું કે, મારૂ અપહરણ થઇ ગયું છે અને છરી મારી દીધી છે. કરણ અમદાવાદથી મુંબઇ પહોંચ્યો હતો.
ગત બુધવારે કરણ ઘરેથી પોતાનું બાઇક લઇને નીકળ્યા હતો અને એ પછી પત્નીને બપોરે ફોન કરી પોતે મોડો આવશે એવી વાત કરી હતી. ત્યારબાદ પિત્રાઇ ભાઇ એભલ ગોગરાના ફોનમાં અજાણ્યા શખ્સનો કરણના જ ફોનમાંથી ફોન આવ્યો હતો અને આ ફોન જેનો છે તેને છરીના ઘા ઝીંકી કારમાં ઉઠાવી જવાયો છે, ન્યારીએ આવો તેવો કોલ આવતાં બધા ત્યાં તપાસ કરવા જતાં કરણ કે તેનું વાહન મળ્યું નહોતું. શોધખોળ શરૂ થતાં કરણનું બાઇક અને મોબાઇલ ફોન અવધના ઢાળીયા પાસેથી રેઢા મળ્યા હતાં.
કરણ આર્થિક સંકડામણને કારણે પોતે કંટાળી ગયો હોય અને ઘર મૂકીને જતું રહેવું હોવાથી જાતે જ અપહરણની સ્ટોરી ઘડી હતી. ફોન પણ પોતે જ અવાજ બદલીને મોઢા રૂમાલ આડો રાખીને કર્યો હતો. એ પછી બાઇક અને ફોન અવધના ઢાળીયા પાસે રેઢા મુકી ત્યાંથી રિક્ષામાં બેસી કેકેવી ચોક અને ત્યાંથી બીજી રિક્ષામાં બેસી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો હતો. અહીંથી એક કારમાં બેસી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદમાં હોટેલમાં રોકાયો હતો. આધાર કાર્ડ નંબર યાદ હોય તેના પરથી મોબાઇલ ફોન અને નવું સિમ કાર્ડ કઢાવ્યું હતું. બાદમાં 2 જાન્યુઆરીએ હોટલમાંથી ચેકઆઉટ કરી રાત્રિના નવ વાગ્યે ટ્રાવેલ્સ બસમાં બેસી મુંબઇ પહોંચ્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમ સતત પાછળ હોય મુંબઇ પહોંચી ગઇ હતી અને તેને શોધી કાઢ્યો હતો.