Surat : ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં આવતું દૂષિત પાણી થઇ રહ્યું છે રિસાઇકલ

દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 971 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે દૂષિત પાણી ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં જતું હતું, તેને રોકી સુરત મહાનગરપાલિકાએ રિસાઇકલ કરી શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે અને વાર્ષિક 140 કરોડથી પણ વધુની કમાણી કરે છે. જેથી તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું છે, જે આખા દેશમાં એક મોડલ છે.
ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં દૂષિત પાણી જાય. પરંતુ સુરત શહેરમાં હવે આ જોવા નથી મળતું. કારણ કે સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે. સાથે તાપી નદીમાં જેટલા 46 આઉટલેટ હતા તેને બંધ કરી દેવાયા છે. તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન મુજબ જ તાપીમાં પાણી ને જવા દેતી હોય છે. હાલ સુરત મહાનગર પાલિકા દુષિત પાણી રિસાઈકલ કરી વેંચી તેના થકી વર્ષે 140 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યું છે. દેશ અને દુનિયાના અન્ય શહેરો માટે હાલ સુરત શહેર એક મિશાલ છે કે જે અવનવા પ્રોજેક્ટો થકી તાપી શુદ્ધિકરણને વેગ આપી ગંદુ અને દુષિત પાણી રિસાઈકલ કરી તેના થકી પણ આવક મેળવી રહી છે.