Surat : પોલીસ પુત્ર અને તેના મિત્રો પર જીવલેણ હુમલો

હાલ કરફ્યુ ચાલી રહ્યો હોય અને પોલીસ દ્વારા ખોટી રીતે રખડતા તથા મહોલ્લાઓમાં બેસનારાઓ સામે લાલ આંખ કરાઈ રહી હોય જેને લઈ હવે પોલીસના પરિવાર સામે લોકો દુશ્મની કરી રહ્યા છે. આવો જ એક બનાવ બન્યો છે જેમાં દાંડી ફાટક ચાર રસ્તા પાસે ડેસ્ટીની હોટલ સામે પોલીસ પુત્ર અને તેના મિત્રો પર જીવલેણ હુમલો કરનાર માથાભારે ને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ ખાતે રહેતા અંકુર પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તે તેના મિત્ર મીહીર પટેલ અને અક્ષય પટેલ કે જેના પિતા પોલીસમાં છે તેઓ સાથે દાંડી ફાટક ચાર રસ્તા પાસે આવેલ હોટલમાં જમવા ગયો હતો જ્યાંથી બહાર આવતા જ આરોપી ભેસાણ ગામ ખાતે નવાપરા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો વેકરીયાએ ત્યાં આવી અક્ષય પટેલને તારા બાપા પોલીસમાં છે અને રાત્રે હું ભેસાણ ગામની પાદરમાં બાંકડા પર બેસેલ હતો ત્યારે ઉઠાડેલા તેમ કહેતા અક્ષય પટેલએ તેને મારા પિતા તેમની નોકરી કરે છે તેમ કહેતા જ આરોપી મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો વેકરીયા ઉશ્કેરાયો હતો અને ગાળો આપ્યા બાદ જીવલેણ હુમલો કરી ત્યાંથી ભાગી છુટ્યો હતો. તો ગંભીર રીતે ઘવાયેલા અક્ષય પટેલને તેના મિત્રો સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતાં. જ્યારે બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી પોલીસ પુત્ર પર હુમલો કરનાર માથાભારે ભેસાણ ગામના મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો કેશવ વેકરીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.