Surat : બેગમપુરા ખાતે દ્વારકા હાઉસમાં બની આગની ઘટના

સુરતમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. બેગમપુરા ખાતે આવેલ દ્વારકા હાઉસ કે જ્યાં તૈયાર સાડીઓ સંગ્રહ કરાતી હતી ત્યાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં દ્વારકા હાઉસમાં લાગેલી આગ કાબરા હાઉસમાં પણ પહોંચી ગઈ હતી. જેને લઈ ફાયરની 22 જેટલી ગાડીઓએ સ્થળે દોડી જ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેગમપુરા વિસ્તારમાં આવેલા તૈયાર કરેલ સાડીનો જથ્થો સંગ્રહ કરવાના દ્વારકા હાઉસ માં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ફાયર દોડતું થઈ ગયું હતું. આઠ ફાયર સ્ટેશનની 22 ગાડી ઘટના સ્થળે પહોંચી ત્રણ માળમાં લાગેલી આગને કલાકો બાદ ભારે જહેમતે કાબૂમાં લીધી હતી. જોકે આગમાં લાખો-કરોડોનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ફાયર ઓફિસર પરીખે જણાવ્યું છે. એટલું જ નહીં, પણ આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલો એક ટેમ્પો પ આગની ઝપેટમાં આવ્યા બાદ બળી સળગી ગયો હતો. આ આગમાં બે હાઉસના પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે.
બેગમપુરામાં સાડીનો જથ્થો સંગ્રહ કરવાના ગોડાઉનમાં લાગેલી આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે. આગને કાબૂમાં લીધા બાદ તપાસ કરતાં દ્વારકા હાઉસના બિલ્ડિંગ સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.