Surat : બુટલેગરોએ મહિલા પોલીસ પર રીક્ષા ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો

ડભોલી બ્રિજ પાસેથી રિક્ષામાં દારૂ લઈ જઈ રહેલા બુટલેગરોએ પેટ્રોલિંગ કરી રહેલ મહિલા પોલીસ પર રીક્ષા ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સિંગણપોર પોલીસ મથકમાં નોંધાવવા પામ્યો છે.
સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અનિલાબેન મોહનભાઈ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ સ્ટાફ સાથે ડભોલી બ્રિજ ચાર રસ્તા પાસે રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક રીક્ષામાં આરોપી અનિલ યાદવ સહિતનાઓ પસાર થઈ રહ્યા હતાં. જેઓને અટકાવવાનો પ્રયાસ કરતા જ તેઓ દ્વારા રીક્ષા ઉભી રાખવાના બદલે અન્ય મહિલા તાલીમાર્થી લોકરક્ષક સાધનાબેન ચંદુભાઈ દાફડા પર રીક્ષા ચઢાવી હત્યાનો પ્રયાસ કરી અનિલ યાદવ, મુન્ના શાહુ અને રાકેશ સોરસીયા ભાગી છુટ્યા હતાં. જેથી ગંભીર રીતે ઘવાયેલ સાધનાબેન દાફડાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો રીક્ષામાંથી મળેલ દારૂનો જથ્થો કબ્જે કરી હાલ તો બુટલેગરોને ઝડપી પાડવા સિંગણપોર પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.