Surat : રામપુરા છડાઓલ માં હોસ્પિટલના ટ્રસ્ટીના ભાઈ પર જીવલેણ હુમલો

સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. રાંદેરમાં માથાભારે ઈસમ દ્વારા એક પર જીવલેણ હુમલો કરાયાની ઘટના હજી તાજી છે ત્યાં હવે રામપુરા છડાઓલ માં હોસ્પિટલના ટ્રસ્ટીના ભાઈ પર માથાભારે લિસ્ટેડ બુટલેગરના પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ છે.
યુપી કે બિહારનો કોઈ ગામ હોય તેવુ હાલ સુરત બની રહ્યું છે. કારણ કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસ માત્ર ક્રાઈમ રેટ ઘટાડવાની વાતો જ કરી રહી છે. ત્યારે રાંદેરમાં દુકાનદાર પર અસામાજિક તત્વ દ્વારા કરાયેલ હુમલાની ઘટના તાજી છે હજુ સુધી આરોપી પોલીસ પકડમાં આવ્યો નથી. ત્યાં ફરી રામપુરા વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી છે. જેમાં લોખાત હોસ્પિટલના ટ્રસ્ટીના ભાઈ અબ્દુલ્લા નાના બાવા પર રામપુરા વિસ્તારમાં રહેતો અને રેલ્વેના કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર એવા વલીઉલ્લાના પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ તો બનાવને લઈ પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરાઈ છે.
જો કે અહી પ્રશ્ન એ ઉભુ થઈ રહ્યુ છે કે સુરતમાં રોજેરોજ ગુનાખોરી વધી રહી છે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે શુ પોલીસ આવા અસામાજિક તત્વોના આતંકથી લોકોને બચાવશે કે આવી કારમી મોંઘવારીમાં અસામાજિક તત્વો બેફામ બનતા રહેશે અને પોલીસ માત્ર તમાસો જોશે તે જોવુ રહ્યું...