એક ડોઝ રૂ.200 ના ભાવે - કોવીશીલ્ડ વેક્સિંનનો સરકારે આપ્યો ઓર્ડર

એક ડોઝ રૂ.200 ના ભાવે - કોવીશીલ્ડ વેક્સિંનનો સરકારે આપ્યો ઓર્ડર

કોરોના મહામારી સામે દેશ અને વિશ્વની નજર કોરોના વેક્સિંન ઉપર છે ત્યારે ભારતે પણ વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે અને હવે તા.16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરુ થવાનું છે ત્યારે મહારાષ્ટ્રની પૂનામાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે કોરોના વાયરસ વેકસીન કોવિશિલ્ડનું નિર્માણ કર્યું છે જેને ભારતમાં ઈમજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે વેક્સિનેશન પૂર્વ સીરમ ઇન્સ્ટિટ્યૂટએ રસીનો ભાવ જાહેર કરતા કોવિશિલ્ડની કિંમત એક ડોઝ દીઠ 200 રૂપિયા + 10 રૂપિયા જીએસટી સાથે કુલ કિંમત 210 રૂપિયાની રહેશે અને બે ડોઝના 420 રૂપિયા નક્કી કર્યા છે. ભારત સરકાર તરફથી આ ભાવે ખરીદીનો ઓર્ડર મળ્યાનું જાહેર કર્યું છે.
વૈશ્વિક કોરોના વાયરસની મહામારી સામે રસીકરણ અભિયાનની દેશમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇ ભારતના દરેક રાજ્યોમાં વેક્સિનને પહોંચાડવા કૂલ એક્સ કોલ્ડ ચેઇન લિમિટેડને સીરમ ઇન્સ્ટિયૂટ તરફથી પહોંચાડવા માટે ઓડર મળ્યો હોઈ તે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોવિડ -19 રસીકરણ અભિયાન તા.16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થશે. દેશમાં કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જાણકારી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લીધો હતો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોંફરન્સ કરી હતી અને જેમાં જણાવ્યું હતું કે આપણી વેક્સિન દુનિયાની સૌથી ઓછી ખર્ચાળ વેક્સિન છે. દેશની જરૂરિયાત મુજબ તેને તૈયાર કરવામાં આવી છે. તા.16 જાન્યુઆરીથી આપણે વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહ્યા છીએ. આપણે ત્યાં જે બે રસીને મંજૂરી મળી છે તે બંને મેડ ઇન ઈન્ડિયા છે અને વધુ 4 વેક્સિન પ્રોસેસમાં છે. જ્યારે વધુ વેક્સિન આવશે ત્યારે આપણી પાસે ભવિષ્યના આયોજન કરવામાં સુવિધા હશે. કોરોના સામેની લડાઈમાં જોડાયેલા લોકોને વેક્સિન આપવી તે પ્રાથમિકતા છે. ત્યાર પછી સફાઇ કામદારો, લશ્કરી દળો અને પોલીસકર્મીઓ છે. આ બધાને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. ફ્રન્ટ લાઇન કામદારોની સંખ્યા દેશભરમાં 3 કરોડ છે અને તેમને વેક્સિન આપવા માટે જે ખર્ચ થશે તે ભારત સરકાર ઉઠાવશે. 50 વર્ષથી ઉપરના બધા લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના બીમાર લોકોને પણ વેક્સિન આપવામાં આવશે. જો આપણને સંપૂર્ણ વિદેશી વેક્સિન ઉપર નિર્ભર રહેવું પડ્યું હોત તો કેટલી મુશ્કેલીઓ પડી હતે વિચારો. વેક્સિનેશનનો ભારતનો જે અનુભવ છે તે વેક્સિનેશન માટે ખૂબ જરૂરી છે. કોવિન એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરી શકો છો તેની વ્યવસ્થા કરાઈ છે. બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મહત્વનું કામ એવા લોકોને ઓળખવાનું છે જેમને વેક્સિન લેવી પડે તેમ છે. આ માટે 'કોવિન' ડિજિટલ પ્લેટફોર્મ બનાવાયું છે. રસીકરણનો ડેટા આ એપ ઉપર અપલોડ કરવો પડશે. રસીકરણ બાદ ડિજિટલ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. જેથી તેમને બીજા ડોઝની યાદ અપાવે. બીજા ડોઝ પછી ફાઇનલ સર્ટિફિકેટ આપવામાં આવશે. રસીકરણ અંગે ભારત જે કરવા જઈ રહ્યું છે તેને આગામી દિવસોમાં દુનિયા ફોલો કરશે.
પીએમ મોદીએ વેક્સીનેશનની અફવાઓ અંગે કહ્યું હતું કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુનિશ્ચિત કરવું પડશે કે અફવાઓ ફેલાઈ નહિ. દેશ અને દુનિયાના તોફાની તત્વો રસીકરણ અભિયાનમાં અવરોધ ઉભા કરવા પ્રયાસ કરી રહ્યા છે. આપણે ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રેડ ક્રોસ જેવી સંસ્થાઓને સાથે જોડવાની છે. આ વેક્સિનેશનની સાથે સાથે અન્ય રસીકરણ અભિયાન પણ વ્યવસ્થિત ચાલતા રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા વડાપ્રધાનને અપીલ કરી છે.