કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું કોરોના સંક્રમણના કારણે નિધન - રાષ્ટ્રીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું કોરોના સંક્રમણના કારણે નિધન - રાષ્ટ્રીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

મૂળ ભરૂચના નિવાસી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે કોરોના સંક્રમણનાં કારણે આજે વહેલી સવારે નિધન થયું છે. અહેમદ પટેલના નિધનની તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબર મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતા આખરે તેઓ કોરોના સામે હારી જઈ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને સમાચાર આપતા જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં। મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું।
અહેમદ પેટલનો જન્મ તા.21 ઓગસ્ટ 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના પિરામણ ગામમાં થયો હતો. તેઓ 1977થી 1989 સુધી 3 વાર લોકસભા સાંસદ અને 1993 થી 2020 સુધી 4 વાર રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે પહેલી ચૂંટણી 1977માં ભરૂચ લોકસભા સીટ પરથી લડી હતી અને 62,879 વોટથી જીત્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષ હતી. 1980 માં અહેમદ પટેલ ભરૂચથી જ 82,844 વોટથી અને 1984માં 1,23,069 વોટથી જીત્યા હતા. અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા છે તેમજ તે વર્ષ 1985 માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા હતા. અને તેઓ 2001થી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા છે. વર્ષ 1986 માં જાન્યુઆરીમાં તેઓ ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. 1977 થી 1982 સુધી યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા હતા. સપ્ટેમ્બર 1983 થી ડિસેમ્બર 1984 સુધી તેઓ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી રહ્યા હતા અને 1996 માં અહેમદ પટેલને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા।
અહેમદ પટેલના નિધનને લઇ રાજકીય નેતાઓમાં પણ શોકની લાગણી ફેલાઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું છે. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે સાથે પીએમ મોદીએ તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી અહેમદ પટેલના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે મેં એવા સહયોગીને ગુમાવી દીધા છે જેમણે તેમનું આખુ જીવન કોંગ્રેસને સમર્પિત કરી દીધું છે. તેમની વિશ્વસનીયતા, કામ પ્રત્યે સમર્પણ, બીજાને મદદ કરવાનો ગુણ તેમને અન્ય લોકો કરતાં અલગ બનાવે છે. તેમની જગ્યા કોઈ પૂરી શકે એમ નથી. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું લખ્યું હતું કે આજે દુ:ખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓ હંમેશા પાર્ટીના મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. હંમેશા તેમની ઉણપ મહેસૂસ થશે.
સોગંદનામા મુજબ અહેમદ પટેલની પાસે કુલ સંપત્તિ 6,51,09,803 રુપિયા છે. આ ઉપરાંત 1 કરોડથી વધારે અન્ય સેવિંગ્સ છે. અહેમદ પટેલના દીકરા અને દીકરીની આવક વિશે સોગંદનામામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અહેમદ પટેલના દીકરા ફૈસલ પટેલ 39 વર્ષના છે. તેઓ બિઝનેસ એન્ત્રપ્રિન્યોર છે. તેઓ હેલ્થકેર, એજ્યુકેશન અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે તેમણે દહેરાદૂનના દૂન પબ્લિક સ્કૂલની હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અમેરિકામાં હવાઈ પેસિફિક યુનિવર્સીટીમાં તેમણે બીબીએની ડિગ્રી લીધી છે. ફૈસલ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરુ કર્યુ છે તેમજ દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસ મેન ઈરફાન સિદ્દિકી સાથે થયા છે. હાલમાં ઈડીએ અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્ધિકીના ઘરે અને ઓફિસ પર રેડ પાડી હતી. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ધ પગલા ભર્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દિકીએ હાલમાં જ નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું.