ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ એકટને હાઇકોર્ટમાં પડકાર

ગુજરાત સરકારના લેન્ડ ગ્રેબિંગ એકટને હાઇકોર્ટમાં પડકાર

ગુજરાતમાં ભૂમાફીયાઓ પર લગામ લગાવવા માટે કડક જોગવાઈઓ સાથે લાગુ કરવામાં આવેલા લેન્ડ-ગ્રેબીંગ કાયદાને અદાલતમાં પડકારવામાં આવ્યો છે. કાયદાની જોગવાઈઓ બંધારણનો ભંગ કરે છે એટલું જ નહિં હાઈકોર્ટનાં અધિકારો પર પણ તરાપ સમાન છે. લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ પકડાયેલા સાબરકાંઠાના પંકજ પટેલ તથા કમલેશ દવેએ કાયદો રદ કરવા હાઈકોર્ટમાં માંગ કરી હતી. આ પ્રકારનાં કાયદા ઘડવા વિધાનસભાને પણ વૈધાનિક અધિકાર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અરજદારોનાં કહેવા પ્રમાણે લેન્ડ ગ્રેબીંગ કાયદામાં સંબંધીત કોર્ટના ચુકાદાને રદ કરવા ખાસ કોર્ટની જોગવાઈ છે. ઉપરાંત કાયદો લાગુ થયા પૂર્વેનાં કિસ્સામાં પણ તે અસરકર્તા છે પરંતુ તેનાંથી વર્તમાન વેંચાણ દસ્તાવેજ - કરારને અસર થાય છે. કલમ 2 (ડી) તથા 4 (2) માં પશ્ચાત અમલની જોગવાઈ છે તેનાથી બંધારણની કલમ 20 નો ભંગ થાય છે. આ કાયદાથી હાઈકોર્ટનાં અધિકાર પર પણ તરાપ લાગે છે. કાયદા હેઠળ અપાયેલા અધિકારો પણ કલમ 14 ના ભંગ સમાન છે. પોતાના જ કેસમાં બચાવ સાથેની દલીલ કરી હતી કે તેઓ સામે ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. અરજદારોએ એવો દાવો કર્યો કે 2 ખાસ અદાલતો વચ્ચે કાર્યક્ષેત્રનો મુદ્દો ઉભો થાય તો મામલાની પતાવટ રાજય સરકારનાં હાથમાં છે. વાસ્તવમાં આ મુદ્દો અદાલતનો છે. આ ન્યાયીક અધિકારો રાજય સરકારને મળી ન શકે. બંધારણમાં મૂળભૂત સિદ્ધાંતોમાં અધિકાર વહેંચણીની કોઈ જોગવાઈ નથી. લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદોની તપાસ કરવા માટે કમીટીની જોગવાઈને પણ પડકારવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટમાં જજની નિમણુંક કરવાની સતા પણ સીઆરપીસી 1973 ની કલમની વિરૂદ્ધ છે. આ કાયદા હેઠળ સ્પેશ્યલ-કોર્ટની ટ્રાયલ દરમ્યાન આરોપીને મળતા અધિકાર પણ આપવામાં આવ્યા છે. જે બંધારણનાં અનુચ્છેદ 20 નું ઉલ્લંધન છે. આ મામલાની સુનાવણી હાઈકોર્ટે આગામી તા.18 મી ફેબ્રુઆરી પર નિર્ધારીત કરી છે.
બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંધન હોવાની દલીલ સાથે ફરીયાદની તપાસ કરનાર કમીટીથી માંડીને રાજય સરકારના અધિકારો સામે સવાલ ઉઠાવાયા છે જેને લઇ આવતા સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરાશે.