ધાનેરા : યુવતીએ તેના સસરા અને દાદા સસરા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો

બનાસકાંઠા પોલીસવડાને સસરા અને દાદા સસરા સામે કાર્યવાહી કરવા પરીણીતાએ આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકની પરિણીતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાની યુવતીએ તેના સસરા અને દાદા સસરા વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરી દાદા સસરાએ તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરી અને અવાર નવાર ધમકીઓ આપવામાં આવતી હોઈ તેણીએ આ બાબતે ઝાલોરના બાગરા પોલીસમાં ફરિયાદ કરતા તેણીના સાસરિયાઓએ ઉલટાની તેના પર ધાનેરા પોલીસ મથકે ખોટી ફરિયાદ કરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે આજે બનાસકાંઠા પોલીસવડાને રજુઆત કરી હતી.
રાજસ્થાનના ઝાલોર જિલ્લાની વતની યુવતીના લગ્ન ધાનેરા પંથકમાં એક ગામમાં થયાં હતા. લગ્ન બાદ ધાનેરા મુકામે તેણીની સાથે સાસરિયાઓ ત્રાસ ભર્યુ વર્તન કરતા હોવાની અને તેણીની સાથે તેના દાદા સસરા દ્વારા શારીરિક છેડછાડ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો કરાયા છે. રજુઆતમાં જણાવ્યા અનુસાર તેણીના સાસરિયાઓ મોટી રાજકીય લાગવગ ધરાવતા હોઇ અને ધાનેરા પોલીસ સાથે પણ લાગવગ હોવાના કારણે તેણીના ઉપર તેમજ તેણીના માતા પિતા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી હોવાના પણ આક્ષેપ કર્યા છે. તેમની ઉપર ધાનેરા પોલીસ મથકે ખોટી ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેઓને રાજસ્થાનથી અહીં હાજર કરવામાં આવ્યા હતા તે વખતે તેમના કાકા સસરા દ્વારા ધાકધમકી આપી અને પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી હોવાનુ જણાવ્યું છે. રજુઆતમાં જણાવ્યાનુસાર તેણીને કહેવામાં આવેલ કે તેઓનું બાગરા પોલીસ અને ધાનેરા પોલીસ સાથે પણ સેટિંગ છે. અમે તમને ખતમ કરાવી દઈશું તેવી ધાકધમકીઓ આપવામાં આવી હોવાની અને ધાનેરા પોલીસ મથકે પણ તેઓની લાગવગ હોવાનું જણાવેલ હોઇ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા અને ન્યાય અપાવવા માટે પોલીસવડાને લેખિતમાં આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.