નવસારીના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલે બંને ધારાસભ્યોનો આંતરિક વિવાદ જાહેર કર્યો

નવસારીના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પાટીલે બંને ધારાસભ્યોનો આંતરિક વિવાદ જાહેર કર્યો

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારીમાં સ્થાનિક ધારાસભ્ય પીયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના આંતરિક વિવાદની જાહેરમાં પોલ ખોલી ખોલતા બંને વિસ્તારના ધારાસભ્યોના આંતરીક વિખવાદને લોકો સમક્ષ રાખી દીધો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યક્રમના સંબોધનમાં કહ્યું હતું કે નવસારી અને વિજલપુરના ધારાસભ્યો લડતા હતા તેના કારણે લોકોનો ખો નીકળતો હતો.
આજના નવસારી ખાતેના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે અહિંયા એક ધારાસભ્ય બેઠા છે જ્યારે બીજા ધારાસભ્ય આવ્યા નથી. તેઓ બીજા એક ઉદ્ઘાટનમાં જવાના હતા જેથી હાજર રહી શક્યા નથી. સી.આર.પાટીલે પાણીની પાઈપ લાઈન વિતરણ કરવા બાબતે ખુલાસો કર્યો હતો કે ત્યાંની જે પાઇપ લાઇન હતી તેને અહિંયા પીયૂષભાઈ ના પાડતા હતા કે હું નહીં જવા દઉં અને અહિંથી પાણી આપવાનું હોય તો કે હું નહીં આપું મારે નવસારીમાં ઓછું પડે છે અને ત્યાંથી ડ્રેનેજ લાઈન અહીં આવા દેવાની આર.સી.પટેલ ના પાડતા હતા આમ આપ લોકોની ખો નીકળી જતી હતી. પિયુષભાઇ સરકારમાં જોર લગાવવામાં કાચા પડ્યા નહીંતર આજે નવસારી મહાનગરપાલિકા બની ગઈ હોત. પીયૂષભાઈને ડર હશે કે મતદારો નારાજ થશે. હું પહેલેથી જ નવસારીને મહાનગરપાલિકા બનાવવાના મતમાં છું.
આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારી શહેર વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ નં 127નાં સ્થાને રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરીનું ખાતમૂહુર્ત કર્યું હતું સાથે અમૃત યોજના હેઠળ 47.40 MLD ક્ષમતાનાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વિજલપોર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંકુલમાં 146 કિલોવોટ ક્ષમતાનાં સોલાર પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.