પેટાચૂંટણીનો ખર્ચ પક્ષપલ્ટુ ધારાસભ્યો પાસેથી વસૂલવા હાઇકોર્ટમાં PIL

પેટાચૂંટણીનો ખર્ચ પક્ષપલ્ટુ ધારાસભ્યો પાસેથી વસૂલવા હાઇકોર્ટમાં PIL

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 3 વર્ષમાં 19 MLAનો પક્ષપલટો થયો છે. 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોગ્રેંસના 77 ઉમેદવારો ચૂંટાયા હતા તેમાથી 19 ધારાસભ્યો કોગ્રેંસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ત્યારે જો ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી ચૂંટણી યોજવા માગતું હોય તો બંધારણના અનુચ્ચછેદ 324 મુજબ પક્ષપલટુ ધારાસભ્યો અને રાજકીય પક્ષો સામે અરજીમાં કરાયેલા નિયમો ઘડવા અને તેનું કડકાઇથી પાલન કરવું જરૂરી છે.
રાજકારણમાં પક્ષપલટુ ધારાસભ્યો - સાંસદો કે ચૂંટાયેલા નેતાઓ પોતાની અંગત લાલચને લીધે પક્ષ બદલતા હોય છે આવા પક્ષપલટુ નેતાઓ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો ન કરતા પેટાચૂંટણીઓ યોજવી પડે છે. આમ પક્ષપલટુ નેતાઓ પાસેથી પેટાચૂંટણી માટેના ખર્ચના નાણાં રીકવર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં રજૂઆત કરાઇ છે કે ચૂંટણી પંચે આવા લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષપલટો કરે ત્યારે પ્રચાર માટે વપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણીપંચે આ અંગે નોટેફિકેશન બહાર પાડવા જોઈએ અને પક્ષપલટુઓ માટે નિયમો બનાવવા દાદ માગી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ કરેલી જાહેરહિતની અરજીમાં પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટણીના ખર્ચા પેટેના નાણાંની રિકવરી કરવાની દાદ માગી છે. અંદાજે એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. તેનો બોજો સામાન્ય જનતા ઉપર પડે છે. તાજેતરમાં ગુજરાતમાં જ કોંગ્રેસમાંથી 15 પક્ષપલટુ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે અને તે પૈકી 10 ધારાસભ્યોએ પેટાચૂંટણી લડી છે. જુલાઇ 2018 થી જૂન 2020 સુધીમાં જે ધારાસભ્યે પક્ષપલટો કર્યો છે તેમની પાસેથી નાણાં વસૂલવા માંગ કરતી પીઆઈએલ દાખલ કરાય છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તે પહેલા તેની પાસેથી 2 કરોડનો ખર્ચ વસૂલી લેવા ચૂંટણી પંચને આદેશ કરવા માગણી કરાઇ છે. ચૂંટણી પંચે ચૂંટાયેલા ધારાસભ્યો તેમની ટર્મ પૂર્ણ નહીં થાય ત્યા સુધી રાજીનામું નહી આપે તેવી બાહેંધરી લેવી જોઇએ. ચૂંટાયેલા નેતાઓના રાજીનામાં બાદ થતી પેટાચૂંટણીઓના ખર્ચા બચાવવા અને ભ્રષ્ટાચારી ધારાસભ્યો માટે ચૂંટણી પંચે નિયમો ઘડવાની જરૂર છે. હાઇકોર્ટ ચૂંટણીપંચને આ અંગે નિયમો ઘડવા અને નોટિફિકેશન બહાર પાડવા આદેશ કરે તેવી દાદ માગવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા પક્ષપલટુઓ સામે નિયમો ઘડવામાં આવશે તો જ પેટાચૂંટણીઓના ખર્ચા અટકી શકે છે અને પબ્લિક મનીનો વ્યય થતો અટકશે.