પાલનપુર : અનિયમિત તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારીની લાલ આંખ

પાલનપુર તાલુકાના અનેક ગામડાઓમાં અનિયમિત તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારીની લાલ આંખ
પાલનપુર તાલુકાના અનેક ગામડાંઓમાં તલાટીઓની અનિયમિતતાને કારણે જ એક સપ્તાહ પહેલા પાલનપુર તાલુકા પંચાયતમાં સાધારણ સભા યોજવામાં આવી હતી. ત્યારે હજુ સુધી પણ અનેક ગામડાઓમાં તલાટીઓને કાળા અક્ષર ભેંસ બરાબર જ છે તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે તાલુકા પંચાયત ના વિપક્ષ સદસ્યો દ્વારા તલાટીઓની અનિયમિતતા ના કારણે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.આમ જોવા જઈએ તો ગામડાની અભણ પ્રજા હોવાથી તલાટીઓ પોતાને મનફાવે તેમ કરતા હોય છે. જ્યારે જોવા જઈએ તો છેવાડાના ગામડાઓમાં મોટા ભાગની અભણ પ્રજા વસવાટ કરે છે અને તલાટીઓની ગેરહાજરી હોવા છતાં પણ લોકો દ્વારા ચલાવી લેવામાં આવતું હોય છે જેને કારણે તલાટીઓ ગેર હજાર રહેવાનો મોટો ફાયદો ઉઠાવતા હોય છે.તેથી આવા અનિયમિત તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારી એ લાલ આંખ કરી હતી. તાલુકા પંચાયતના શાસક અને વિપક્ષ સદસ્યો દ્વારા જાણવા મળ્યું હતું કે તલાટી ઓ સેજામાં ફક્ત અઠવાડિયામાં બે દિવસ જ હાજર રહે છે. તેમજ તેમનો મોબાઈલ દ્વારા સંપર્ક કરીએ તો ફોન પણ ઉપાડતા નથી અને સદસ્યોના ફોન નંબર બ્લોક લીસ્ટ તેમજ રિજેક્ટ લિસ્ટમાં મૂકી દેતા હોય છે અને કદાચ ફોન ઉપાડે તો પણ તલાટીઓ દ્વારા એવો જવાબ મળે છે કે અમારે તો મંગળવાર અને શુક્રવારના જ સેજામા આવવાનું હોય છે. આમ, ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી જેવા જવાબદાર કર્મચારીઓ નિયમિત હાજરી આપતા નથી જેના કારણે સરકારી નાણાની વસુલાતની કામગીરી, ગરીબોને સહાય ના ફોર્મ માં સહી સિક્કા તેમજ વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા ની કામગીરી સમયસર થતી નથી તમેજ ગામના સાચા લાભાર્થીઓ સહાય થી વંચિત રહી જાય છે. જેથી તમામ તલાટી કમ મંત્રીઓને તાલુકા વિકાસ અધિકારી દ્વારા હવે કડક વલણ અપનાવ્યું છે કે, હવેથી નિયમિત કચેરી સમય દરમિયાન સવારે 10:30 કલાકે થી 6:10 કલાક સુધી ફરજિયાત હાજરી આપવાની રહેશે તેમજ કોઈ કારણ સિવાય કચેરી ના છોડવા જણાવવામાં આવ્યું હતું. આમ આવી અનેક તાકીદો આપવામાં આવી હતી અને આ આખરી તાકીદ આપવામાં આવે છે કે જો તેમ છતાં ગેરહાજરી અથવા ગેરરિતી તેમજ અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો જાણ કર્યા સિવાય અત્રેથી છુટા કરવામાં આવશે અને જિલ્લા વિકાસ અધિકારી ના હવાલે મૂકવાની ફરજ પડશે તેમ જણાવવામાં આવ્યું હતું.