ફેબ્રુઆરી પછી સીબીએસઈ બોર્ડની પરીક્ષા લેવાશે - કેન્દ્રીય શિક્ષા મંત્રી

ફેબ્રુઆરી પછી સીબીએસઈ બોર્ડની પરીક્ષા લેવાશે - કેન્દ્રીય શિક્ષા મંત્રી

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે શિક્ષકો સાથે વીડિયો કોંફરન્સમાં વાતચીત દરમિયાન 2021ની બોર્ડની પરીક્ષાઓ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2021 સુધી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ નહીં લેવાય તેમજ ઘટાડેલા અભ્યાસક્રમના આધારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષામાં 33 ટકા આંતરિક વિકલ્પ આપવામાં આવશે. કુલ અભ્યાસક્રમનો 30 ટકા સિલેબ્સ રદ થશે જેની જાહેરાત કેટલાક રાજ્યોએ કરી દીધી છે. ઘણી સીબીએસઈ શાળાઓ ગ્રામીણ વિસ્તારોમાં છે તેથી ઓનલાઇન પરીક્ષાઓ શક્ય નથી. ફેબ્રુઆરી પછી ક્યારે પરીક્ષાઓ લેવામાં આવશે તે અંગે વિચાર કરવામાં આવશે.
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે કોરોના મહામારીને કારણે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ લેવામાં વિલંબ થઈ રહ્યો છે. કોરોના કાળમાં શિક્ષકોએ યોદ્ધાની જેમ બાળકોને અભ્યાસ કરાવ્યો છે. ઓનલાઇન માધ્યમથી શિક્ષા આપવામાં કોઈ કસર રાખી નથી. ભારત વિશ્વનો પહેલો દેશ બનશે જ્યાં એઆઈ શિક્ષણ શાળા કક્ષાએથી શરૂ થશે. અમે આ વર્ષે JEE, NEET પરીક્ષાનું આયોજન કર્યું છે તે કોરોના મહામારી વચ્ચે યોજાયેલી સૌથી મોટી પરીક્ષાઓમાંથી એક હતી. શિક્ષકો સાથેના સંવાદમાં શિક્ષણમંત્રીએ કહ્યું કે મંત્રાલયે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને બરાબર રાખવા માટે ઘણું કામ કર્યું છે. જેમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઓનલાઇન યોગ સત્રો, ઓનલાઇન કાર્યક્રમો સહિતની તમામ પ્રવૃત્તિઓ શામેલ છે.