ભારત બંધન એલાનને વિપક્ષ શાસિત રાજ્યોમાં પ્રતિસાદ - લાઠી ચાર્જ અને ચક્કાજામ

ભારત બંધન એલાનને વિપક્ષ શાસિત રાજ્યોમાં પ્રતિસાદ - લાઠી ચાર્જ અને ચક્કાજામ

દેશના નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 13 દિવસથી દિલ્હીની સિંધુ બોર્ડર પાસે આંદોલન ચલાવી રહેલા ખેડૂત સંગઠનોએ આજે આપેલા ભારત બંધના એલાનને કારણે પંજાબ, દિલ્હી, રાજસ્થાન, પ.બંગાળ, કેરળા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, છતીસગઢ, પોંડીચેરી, અને બિહાર સહિતના અનેક રાજયોમાં વ્યાપક અસર થઈ હતી અને જનજીવન ખોરવાઈ ગયુ હતું તથા ઠેર ઠેર ખેડુત સંગઠન ઉપરાંત આંદોલનને ટેકો આપનાર કોંગ્રેસ સહીતના અનેક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ રસ્તાઓ ઉપર ચકકાજામ કરીને વાહન વ્યવહાર થંભાવી દીધો હતો અને ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાના વાહનોને અટકાવ્યા હતા. દિલ્હી તથા બિહાર સહિતના રાજયોમાં દેખાવકાર ખેડુતો અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓને રસ્તા ઉપરથી હટાવવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને સેંકડો લોકોની અટકાયત પણ કરી હતી. ઓડીસા સહીતના રાજયોમાં રેલવે ટ્રેક ઉપર ખેડૂત સહિતના દેખાવકારોએ ટ્રેનોને પણ રોકી હતી. ઉતરપ્રદેશમાં બંધના સમર્થનમાં સપા - બસપા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને બજારો બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો તથા રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા. બિહારમાં પણ રાજદ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કરીને બંધને સમર્થન આપ્યું હતું. આજે વધુ 200 ટ્રક ભરીને હજારો ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર પર પહોંચ્યા છે.ભારત બંધના એલનની વિપક્ષ શાસનના રાજયોમાં સારો પ્રતિસાદ મળ્યો છે જયારે ભાજપ શાસિત રાજ્યોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આવતીકાલની વાટાઘાટ પુર્વે સરકાર પર દબાણ વધારતા આંદોલનકારીઓએ દિલ્હી સરહદે જમાવડો કર્યો છે. ટીકર બોર્ડર ઉપર મંચ પાસે ખેડુતોની મોટી ભીડ છે. દિલ્હીથી રોહતકને જોડતા હાઈવે ઉપર ટ્રેક્ટર ટ્રોલીઓ કિલોમીટર સુધી ઊભી છે. રસ્તાની બંને તરફના ખેડુતો પોતાના યુનિયન ધ્વજ સાથે નારા લગાવતા ચાલી રહ્યા છે. તમામ ખેડુતોએ કહ્યું છે કે તેઓ ત્રણેય કાયદા રદ કરવા કરતા ઓછા કંઇ પણ સ્વીકારશે નહીં. દિલ્હી એવા ખેડુતોથી ઘેરાયેલું છે જે 13 દિવસથી વિરોધ કરી રહ્યા છે. હરિયાણાને અડીને આવેલી દિલ્હીની 4 સરહદો - ટિકરી, સિંઘુ, ઝારોડા અને ધનસા સંપૂર્ણ બંધ છે. 2 સરહદો ફક્ત નાના વાહનો માટે ખુલ્લી છે