રાજકોટ : ફોરેક્સ ટ્રેડિંગના નામે પૈસા કમાવવાની લાલચ આપી લાખોની ઠગાઈ

રાજકોટ ફોરેક્સ ટ્રેડિંગમાં રોજના રૂ.20,000 થી રૂ.30,000 કમાવી અપાવવાની લાલચ આપી રાજ્યમાં ઠગાઈ કરનાર ટોળકીના ત્રણ શખ્સોને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા હતા.છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતા મુખ્ય સુત્રધાર સુરતનો જયેશ હિંમતલાલ વાઘેલા(ઉ.વ.44)(રહે.ઇ/102,વૈષ્ણવદેવી એરિયા,સુરત)અને વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશભાઈ મહેતા(ઉ.વ.29)(રહે.સુરત)ને રાજકોટ સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે અગાઉ જયસુખ ચીનુભાઈ સરવૈયા(રહે.ચોકલી ગામ,તા.જૂનાગઢ),આશિષ ઉપેન્દ્ર દવે(રહે.તળાવગેટ, વ્રજ એપાર્ટમેન્ટ, બ્લોક નં.10, જૂનાગઢ) અને જીતેન્દ્ર હસમુખ જાગાણી (રહે. નવા નાગરવાડા, દાસારામ કોમ્પ્લેક્સ, જૂનાગઢ)ત્રણેયની ધરપકડ કરી હતી.
આ બનાવની વધુ વિગતો અનુસાર,કાલાવડ રોડ પર રૂરલ હાઉસિંગ બોર્ડમાં રહેતા ઉમેશભાઈ વશરામભાઈ ગોંડલીયા પટેલ(ઉ.વ.36)નામના વેપારી એ મેટાટ્રેન્ડર5 કંપનીના વિક્રાંત પટેલ,જયેશ નામનો શખ્સ અને આઇસીઆઇસી બેન્કના ખાતા ધારક વિરુદ્ધ તા.19/09/2020 ના રોજ સાયબર ક્રાઈમમાં રૂ.8 લાખની છેતરપિંડી કર્યાની ફરીયાદ કરી હતી. આ ગુન્હામાં આરોપી વિક્રાંત પટેલ નામના શખ્સ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગમાં રોજના રૂ.20 થી 30 હજાર કમાવી આપવાનું કહી ટેક્સ્ટ મેસેજ કરતા જેથી તેમનો સંપર્ક કરતા ટોળકી મેટા ટ્રેડર-5માં એકાઉન્ટ ખોલાવવા માટે રૂ.1 લાખની માંગણી કરી હતી ત્યારબાદ આ રકમ કાલાવડ રોડ પાસે આવેલી આઇસીઆઇસી બેંકના બેંક એકાઉન્ટમાં જમા કરાવતા પછી તે પૈસાની પહોંચ વ્હોટ્સએપ મારફતે વિક્રાંત પટેલને મોકલતા ઉમેશભાઈને મેટા ટ્રેડર-5 નામની એપ ડાઉનલોડ કરાવી આપી હતી.
આ બોગસ એપમાં ભોગ બનનારને તેને કેટલો નફો થયો તેની માહિતી મળતી હતી.ત્યારબાદ ફરિયાદી ઉમેશભાઈ એ એપ્લિકેશનમાં રૂ.35 લાખ જમા થઈ ગયાનું જાણવા મળ્યું હતું.જેથી તેમને વિક્રાંતને ફોન કરી આ પૈસા તેમને બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતા વિક્રાંતએ બીજા રૂ.10 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું અને ઉમેશભાઈ એ જવાબ આપતા કહ્યું કે મારી પાસે હાલ રૂ.7 લાખ જ છે.જેથી વિક્રાંતએ સુરતના અડાજણમાં આરસી આંગડિયા પેઢી મારફતે મોકલવાનું જણાવ્યું હતું.તે પૈસા જયેશ સ્વીકારશે તેવું કહેતા તા.29/05 ના રોજ પૈસા મોકલાવી દીધા હતા.ત્યારબાદ છેતરપીંડી થયાનું માલુમ થતા સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.