વેક્સિનના 7 કરોડ ડોઝ તૈયાર પરંતુ ભાવને લઇ કોકડું ગૂંચવાયું

વેક્સિનના 7 કરોડ ડોઝ તૈયાર પરંતુ ભાવને લઇ કોકડું ગૂંચવાયું

દેશમાં કોરોના કાળમાં લોકો માટે વેક્સીન એક આશાનું કિરણ બન્યું છે ત્યારે બે વેકસીનેશનને ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપવામાં આવી છે અને આગામી તા.13 જાન્યુઆરીથી દેશભરમાં વેકસીનેશન શરુ થશે પરંતુ વેકસીનના ભાવ માટે સરકાર અને વેકસીન ઉત્પાદક કંપનીઓ વચ્ચે હજુ કોઈ કરાર ન થતા હાલ વેકસીનને કંપનીઓના કોલ્ડ સ્ટોરેજમાંજ રાખવામાં આવી છે.
પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા વેકસીનના ભાવ મુદે સવાલ ઉઠાવાયા છે અને નિષ્ણાંતો માને છે કે સરકારે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની વેકસીનના થર્ડ સ્ટેજ ટ્રાયલના ડેટા ઉપલબ્ધ નહી હોવા છતાં તેને મંજુરી અપાઈ છે તેનું કારણ પુનાની સીરમ ઈન્સ્ટીટયુટ ઉપર દબાણ વધારવાનું છે. સીરમના સીઈઓ અદર પુનાવાલાએ જણાવ્યું હતું કે સરકાર અને કંપની વચ્ચે મૌખીક રીતે 2.74 ડોલર પ્રતિ ડોઝ અંદાજે રૂા.200ના ભાવે વેકસીન આપવા તૈયારી બતાવી છે. આજ વેકસીન બ્રિટીશ સરકારને 4 થી 5 ડોલરના ભાવે આપવામાં આવી છે. ખાનગી બજારમાં વ્યાપારી ધોરણે આ વેકસીન રૂા.1000ના ભાવે વેચવાની સરકાર મંજુરી આપે તેવી માંગ કંપનીએ કરી છે. સરકાર દ્વારા બીજી વેકસીનને મંજુરી આપવામાં આવી તેના ઉપર પુનાવાલાની ટીપ્પણીથી વિવાદ સર્જાયો તે પછી નિવેદન ફેરવવાની પણ ફરજ પડી હતી. વિશ્વમાં કોઈપણ રાષ્ટ્રએ વેકસીન અંગે ભાવની ચિંતા કરી નથી પણ ભારત સરકારને આ વેકસીન ફ્રીમાં આપવાની છે તેથી તે શકય તેટલો ખર્ચ ઓછો રાખવા માંગે છે.
એઈમ્સના ડિરેકટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે સરકાર જયારે બલ્કમાં વેકસીન ખરીદતી હોય તો સ્વાભાવિક રીતે ભાવતાલ થશે જ, અંતે તો સરકારની ખરીદી નીતિ અને બજારની સ્થિતિના આધારે જ કરાર થશે અને સરકારે પ્રતિ ડોઝ 6 થી 7 ડોલરના ભાવે વેકસીન ખરીદવા 500 અબજ રૂપિયા અનામત રાખ્યા છે પણ રાજકીય આવેશમાં દેશમાં મફત વેકસીનની જે હોડ સર્જાઈ તેનાથી સરકારનું બજેટ બગડશે તેવો સંકેત છે. હાલ 7 કરોડ ડોઝ તૈયાર છે પણ ભાવ નકકી થયા બાદ ડીલીવરી થશે.