સુરત : આપના કોર્પોરેટરો સાથે કરાયેલ અસભ્ય વર્તનને લઈ વિરોધ

સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા શનિવારે મળી હતી ત્યારે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા ટેક્ષ્ટાઈલ માર્કેટની વધારાયેલી લીઝ રદ્દ કરવા અને પાણી મીટર હટાવી દેવાની સાથે આપના કોર્પોરેટરો સાથે કરાયેલ અસભ્ય વર્તનને લઈ મૌન વિરોધ પ્રદર્શન કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકામાં જ્યારથી આમ આદમી પાર્ટીએ વિપક્ષની જવાબદારી સંભાળી છે ત્યારથી જ શાસકો માટે માથાનો દુઃખાવો બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અગાઉ બજેટમાં ટેક્ષ્ટાઈલ માર્કેટની લીઝ રદ્દ કરવા અને પાણી મીટર હટાવવાની માંગ કરતા વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરાતા તેઓ સાથે અસભ્ય વર્તન કરાયુ હતું અને તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જેના વિરોધમાં આજે પણ અનશન ચાલી રહ્યા છે. ત્યારે શનિવારે મળેલી સુરત મનપાની સામાન્ય સભાના સભાખંડ બહાર ઉભા રહી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ઈશારે સુરત મનપાના સત્તાધીશો મનમાની કરી રહ્યા હોવાનો આરોપી કરી તેઓની માંગણી રજુ કરી હતી અને કહ્યુ હતું કે ટેક્ષ્ટાઈલ માર્કેટની લીઝ નો ઠરાવ રદ્દ કરો, પાણી મિટરો દુર કરી તમામ પાણી બિલ રદ્દ કરવાની માંગ કરી હતી. સાથે ચુંટાયેલા જનપ્રતિનિધિીઓ પર કરાયેલા હુમલાના વિરોધમાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આમ આદમી પાર્ટીએ સ્થાયી સમિતિની બેઠકની બહાર મૌન વિરોધ કરીને પ્રજાલક્ષી મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ રાખ્યું હોવાનું આપ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.