સુરત : પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળી

સુરત જિલ્લાના કીમ પાસે ડમ્પર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળ્યાની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે સુરત શહેરમાં પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળી હતી. જેમાં એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બસ નીચે ફસાયેલાને બહાર કાઢવાની ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી.
પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ પુણામાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. જ્યાં લોકો સૂઈ રહ્યા હતા. જે પૈકી એકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો. બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળતા એક વ્યક્તિ બસના આગળના ટાયર નીચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફાયરની ટીમે ફસાયેલા ને બહાર કાઢવા રેસ્ક્યુ કર્યુ હતું. તો બસ અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બસના ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે મૃતકની ઓળખની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
22 દિવસ પહેલા કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો.