સુરત પોલીસની સુધારાલક્ષી ઝુંબેશ - મંદિર કે ટ્રાફિક સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકો દેખાય તો 100 નંબર પર કોલ કરો

સુરત પોલીસની સુધારાલક્ષી ઝુંબેશ - મંદિર કે ટ્રાફિક સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકો દેખાય તો 100 નંબર પર કોલ કરો

સુરત શહેરમાં કોઈપણ જગ્યાએ બાળકો ભીખ માંગતા દેખાય તો હવેથી પોલીસને 100 નંબર ઉપર કોલ કરી જાગૃત નાગરિકો પણ માહિતી આપી શકે છે. જેથી જે સ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી બાળકને રેસ્ક્યુ કરશે અને ભીખ મંગાવનારા સામે કાર્યવાહી કરવાનું સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે.
સુરત શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળોની બહાર અને ટ્રાફિક સિગ્નલો ઉપર નાના બાળકો પાસે ભીખ મંગાવતા હોવાના કિસ્સાઓ રોજે પ્રકાશમાં આવે છે. જેને લઇ સુરત પોલીસ કમિશનરે નાના બાળકો પાસે ભીખ મંગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરતા સાથે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી છે. નાનપણથી જ ભીખ માંગતો બાળક મોટો થઈ ગુનાખોરીના રસ્તે ન જાય તે માટે પોલીસે સુધારાલક્ષી ઝુંબેશ ઉપાડી છે. સુરતના મીસીંગ સેલે તા.26મી ડિસેમ્બરે અડાજણથી 5 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા જે દરમિયાન જાણવા મળ્યું હતું કે 4 બાળકોને તેના માતા પિતા જ રોજે રૂ.500ની ભીખ માટે દબાણ કરતા ત્યારબાદ કાર્યવાહીમાં ખટોદરા વિસ્તારમાંથી 10 બાળકો - સરથાણામાંથી 9 બાળકો અને ઉધનામાંથી ચાઇલ્ડ લેબરે 4 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. ભીખ માંગતા જે બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવશે તેમને પહેલા બાળગૃહમાં મોકલી આપવામાં આવે છે જ્યા તેનું કાઉન્સેલિંગ થશે અને પછી મેડિકલ ચેકઅપ કરવમાં આવશે. વાલીઓ બાળક લેવા આવે ત્યારે પુરાવાના આધારે પોલીસ વેરીફીકેશન કરી પછી એનઓસી લઈને બાળકને વાલીને સુપરત કરવામાં આવશે.
સુરત વરાછાના સરથાણામાં મંદિર પાસે ભીખ માંગતા 4 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા જે 4 પૈકી 2 બાળકોમાં એકની ઉમર 17 અને બીજાની 16 વર્ષની છે અને બન્ને ભાઈઓ મૂળ મહેસાણાના પાટણ વતની છે. બંને બાળકો ભીખ માંગી જે રૂપિયા મળે તે વતનમાં માતા-પિતાને આપવા જતા હતા જે બને 9 વર્ષ અને 7 વર્ષના બાળકની ભીખના રૂપિયા પણ લઈ લેતા હતા.