સુરત : ફાયર વિભાગ દ્વારા રીંગરોડની જાપાન માર્કેટને કરાઈ સીલ

શહેરમાં ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતાં કોમર્શિયલ કોમ્પલેક્ષ અને માર્કેટો સામે ફાયર વિભાગે ફરી લાલ આંખ કરી છે ત્યારે રીંગરોડની જાપાન માર્કેટમાં ફાયર સુવિધા ન હોય જેને લઈ ફાયર વિભાગ દ્વારા જાપાન માર્કેટની તમામ દુકાનોને સીલ કરવામાં આવી હતી.
સુરતમાં ઉનાળામાં આગની ઘટનાઓ વધી જાય છે જો કે આગની ઘટનાઓ ન બને તે માટે સુરત ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્ષ, માર્કેટો સહિતનાઓને ફાયર સુવિધા ઉભી કરવા અનેકવાર નોટીસો અપાઈ છે જો કે તેમ છતા આજે પણ અનેક જગ્યાએ ફાયર સુવિધા ઉભી કરાઈ નથી. ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા ફાયર સુવિધા ઉભી ન કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે. અને શનિવારના રોજ રીંગરોડ ખાતે આવેલ જાપાન માર્કેટની તમામ દુકાનોને ફાયર સુવિધાના અભાવે સીલ કરી દેવામાં આવી હતી.
સુરતમાં અગાઉ અનેક આગની ઘટનાઓ બની છે અને તેમાં પણ તક્ષશિલા કાંડ પછી તો ફાયર વિભાગ વધારે સાબદુ થયુ છે અને વારંવાર ફાયર સુવિધાને લઈ ચેકિંગ કરી ફાયર સુવિધા ઉભી ન કરનારાઓ સામે લાલ આંખ કરી રહ્યું છે.