સુરત : ભાજપ દ્વારા સરથાણા શ્યામધામ મંદિરેથી ભવ્ય રેલીનું આયોજન કરાયુ

સુરત મહાનગર પાલિકાની ચુંટણીના પ્રચારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને સરથાણા શ્યામધામ મંદિરેથી ભવ્ય રેલીનું આયોજન કરાયુ હતું. જે રેલી વરાછા, સરથાણા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ફરી હતી. સુરત મનપાના 8 વોર્ડના સમાવિષ્ટ વિસ્તારમાં ફરેલી ભાજપની વાહન રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભાજપ દ્વારા જાણે હવે શક્તિ પ્રદર્શન દેખાડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોર થી પ્રચાર શરૂ કરાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3,4,5,14,15,16,17 અને 18 એમ 8 વોર્ડના ઉમેદવારોને જંગી બહુમતથી જીતાડવાની નેમ સાથે સરથાણા શ્યામધામ મંદિરેથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય વાહન રેલીનું આયોજન કરાયુ હતું. જે રેલી વરાછા, સરથાણા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ફરી હતી. અને પરવત પાટીયા ખાતે રેલી પુર્ણ થઈ હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાયેલી ઉમેદવારોના સમર્થન માટેની ભવ્ય વાહન રેલીમાં બાઈક અને કારોનો કાફલો જોઈ વિપક્ષીઓના પસીના છુટી ગયા હતાં. અને ફરી આ વખતે ભાજપનો ભવ્ય વિજય થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.