સુરત : ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જાહેર સભા સંબોધી

ભાજપા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કર્યો છે. કતારગામ, પાંડેસરા, પાલનપુર જકાતનાકા એમ ત્રણ અલગ અલગ વિસ્તારમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જાહેર સભા સંબોધી હતી. તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાની જીત નિશ્ચિત છે ફકત કેટલાં વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય છે તેની ગણતરી કરવાની છે. તેમ કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે સભા સંબોધતા કહ્યું હતું કે, એક ડિબેટ જોતો હતો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રામાણિકપણે કબૂલાત કરી હતી કે પેજ કમિટી થકી દરેક સોસાયટીના ઘર ઘર સુધી ભાજપાના કાર્યકર્તાઓનું જડબેસલાક નેટવર્ક ગોઠવાયેલું છે, જ્યારે અમારી પાસે તો કાર્યકર્તાઓ જ નથી. સાચી વાત છે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ નથી થોડાં ઘણાં જે બચ્યા છે તે નેતાઓ જ છે અને તેઓને પોતાની નેતાગીરી ચમકાવવામાં જ રસ છે. તેઓને પાર્ટી કે દેશ સાથે કોઈ લેવાદેવા નથી. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસમમાં આપેલા ગુજરાત વિરોધી નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં પાટિલે જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે. જે ગુજરાતે આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ડો. વિક્રમ સારાભાઈ જેવાં મહાનુભવો આપ્યા પરંતુ કોંગ્રેસનું વલણ હંમેશા ગુજરાત વિરોધી રહ્યું છે. ગુજરાતને બદનામ કરવાની એક પણ તક કોંગ્રેસ જતી કરતી નથી. કોંગ્રેસ પાસે હાલમાં ચૂંટણીના કોઈ મુદ્દા નથી આથી ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આસામમાં ગુજરાત વિરોધી નિવેદન કરીને પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. પરંતુ હું અહીંથી કોંગ્રેસના નેતાને કહેવા માગું છું કે આ ગુજરાતીઓ તમને વીણી વીણીને સાફ કરી નાખશે. ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સભાઓમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સ્થાનિકો પણ જોડાયા હતાં. અને ભાજપના ઉમેદવારોને જંગીબહુમતિથી જીતાડવા આહવાન કરાયુ હતું.