સુરત : માથાભારે ઈસમોએ એક યુવાન પર તલવાર અને ચપ્પુ વડે કર્યો હુમલો

ગોડાદરા વિનાયક હાઈટ્સ પાસે જુના ઝઘડાની અદાવતમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવાન પર તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે.
ગોડાદરા પોલીસ પાસેથી અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ નવાગામ ડિંડોલી ખાતે રહેતા મુળ મહારાષ્ટ્રના આબાભાઈ સેંદાણેએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે ગોડાદરા ખાતે રહેતા આરોપી યશ ઉર્ફે સોનુ, અનીલ ઉર્ફે ભુરીયા અને પુરૂષોત્તમ ઉર્ફે છોટુનાઓ સાથે ઈજાગ્રસ્ત કરણ નામના યુવાનનો અગાઉ ઝઘડો થયો હતો જે ઝઘડાની અદાવત રાખી કરણ પર ગોડાદરા વિનાયક હાઈટ્સ પાસે આંતરી તલવાર અને ચપ્પુ વડે ત્રણેય હુમલાખોરોએ હુમલો કર્યો હતો. અને ત્યારબાદ ભાગી છુટ્યા હતાં. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કરણને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને લઈ પોલીસને જાણ કરાતા તાત્કાલિક ગોડાદરા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.