સુરત : મોબાઈલ રીપેરીંગ કરનારને છ ઈસમોએ ઉંચકી જઈ ઢોર માર માર્યો

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રોજેરોજ કથળી રહી છે અને પોલીસ માત્ર સબસલામતીની વાતો કરે છે ત્યારે સરથાણામાં મોબાઈલ રીપેરીંગ કરનારને છ ઈસમોએ ઉંચકી જઈ ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
વરાછા ખાતે આવેલ સપના સોસાયટીમાં રહેતા હિરેન પડસાળાએ જણાવ્યુ હતું કે તે મોબાઈલ રિપેરીંગના કામકાજ સાથે સંકળાયેલો છે. અને મંગળવારની બપોરે તે કિરણ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સફેદ કલરની આઈ ટ્વેન્ટી કારમાં આવેલા અજાણ્યા ઈસમે તેનો કોલર પકડી લાફા મારી જબરજસ્તી કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ રોનક ઉર્ફે પરીની ઓફિસમાં લઈ ગયા હતા અને ઢોરની જેમ પટ્ટા, ઈલેક્ટ્રિક વાયર અને દંડાથી મારમાર્યો હતો. બસ હવાલો મળ્યો છે તેમ કહી સતત માર માર્યા બાદ કારમાં બેસાડી નજીકના કોમ્યુનિટી હોલ પાસે લઈ જવાયા બાદ ફરી માર મરાયો હતો. જો કે તેઓ શુ કામ મારો છે તે જવાબ આપ્યો ન હતો. અને હવાલો મળ્યો છે તેમ કહી 30 હજાર આજે આપવાના તથા 1 લાખ બુધવારની સાંજ સુધીમાં પછી બાકી નિકળતી રકમમાં સમાધાન કરાવી આપીશુ. તારો હવાલો જતીન દેસાઈએ આપ્યો છે તેમ જણાવ્યુ હતું. તો તેનું એપલ કંપનીનો બ્લ્યુતુથ તથા મોબાઈલ ફોન લુંટી ગયા હોવાનું પણ જણાવ્યુ હતું.
હાલ તો મોબાઈલ રીપેરીંગ કરનાર યુવાનનું અપહરણ કરી જઈ ઢોરની જેમ માર મારનારાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદની પણ યુવાને તજવીજ હાથ ધરી છે.